નવરાત્રી એટલે નવદુર્ગાનું પર્વ, આ પર્વ દરમિયાનના ૧૦ દિવસ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક જે-તે માતાજીના પૂજા-પાઠની સાથે રાતે ખૂબ ઉત્સાહપૂર્વક મન મૂકીને માના રાસ-ગરબા ગવાય છે ને રમાય છે. ત્યારે આ નવરાત્રીમાં આપણે ગુજરાતનાં શક્તિ મંદિરોના દર્શન કરી પાવન થઇએ..
(૧) ચામુંડા માતા મંદિર (ઊંચા કોટડા)
ગોહિ‌લવાડનાં અત્યંત શ્રદ્ધેય શક્તિ ર્તીથોમાં સ્થાન ધરાવતાં ઉંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર  માસનો ખાસ મહિ‌મા હોવાથી, આખા ચૈત્ર માસ દરમિયાન દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુ ભક્તો પરિવાર સાથે લાપસી-પ્રસાદની માનતા પૂરી કરવા ઉમટી પડે છે. જેની સુવિધા માટે અહીં વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.
તળાજા-મહુવા વચ્ચે સાગર તટે ઊંચા કોટડા ગામ પાસે ટેકરી પર ‘ગઢ કોટડા’ના નામે જાણીતા આ પ્રાચીન તીર્થ ખાતે વર્ષો પહેલાં ઝાંઝમેરનાં ખીમાજીએ મા ચામુંડાની આરાધના કરી ત્રિશૂળ, ચૂંદડી અને ચુડીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરી હતી. મારવાડથી આવીને અહીં વસેલા જસાજી ભીલે આ સ્થાનકે નિત્ય પૂજા-પાઠ શરુ કર્યા હતા. ઊંચા કોટડા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું ગામ છે.
માતાજીનું મંદિર ડુંગર ૫ર આવેલું છે. કાળિયા ભીલની કોઠી છે. વર્ષો ૫હેલા ખાંડિયા અને ત્રિશૂલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજીએ રહેતું તેવી લોક માન્યતા છે. કાળિયા ભીલ દરિયામાં વહાણ લૂંટતો અને માતાજી સાથે ૫ડદે વાત કરતો હતો. વહાણ લૂંટવા જતાં ૫હેલાં માતાજીની રજા લઈને જતો હતો. આજે પણ ઊંચા કોટડામાં કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ જોવા મળે છે.
સમય જતાં આ સ્થાનનું મહત્વ વધતાં આસપાસનાં અનેક ગામનાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માતાની બાધા-આખડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડીનો પ્રસાદ ચઢાવવા લાગ્યા જેથી મંદિરનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામ્યું. ચૈત્ર માસ અને ચૈત્ર નવરાત્રિને કારણે આ તીર્થનો મહિ‌મા દિનપ્રતિદિન એટલો વધ્યો કે દૂર-દૂરથી ભાવિક ભક્તોની સાથોસાથ પદયાત્રીઓનો પ્રવાહ પણ અવિરત વધતો ગયો છે. સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા ‘શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ’ બનાવી સં.૨૦૩૪માં આ સ્થાનકનો જીર્ણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય શિખરમંદિર, યજ્ઞ શાળા, ભોજન શાળા, યાત્રિક ઉતારા સહિ‌ત અનેક સુવિધાઓ ઊભી કરાઈ છે.
ભાવનગરથી ઊંચા કોટડા મંદિર ૮૦ કિ.મી.ના અંતરે આવેલું છે. મહુવાથી ઉંચા કોટડા ૩૫ કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં ચૈત્ર માસમાં શકિત ઉ૫સનાનું ખાસ મહત્વ છે.
– કેવી રીતે ૫હોચશો ? ખાનગી વાહન દ્વારા ઉંચા કોટડા ૫હોચી શકાશે. ભાવનગરથી અને મહુવાથી ઊંચા કોટડા માટે બસ મળે છે.
– અગત્યના દિવસો: ઊંચા કોટડાના મહત્વના દિવસોમાં ચૈત્ર માસ ઘણું મહત્વ ધરાવે છે. આ માસમાં શકિત ઉપાસના વધુ થાય છે. ચૈત્રી પૂનમે મેળો ભરાય છે. લાખો લોકો દર્શન કરવા આવે છે. રજાના દિવસોમાં આજુબાજુના ગામોમાંથી લોકો આવે છે. પ્રવાસરુપે મહુવાની એક શકિતપીઠ છે.
(૨) વહાણવટી સિકોતર માતા મંદિર (રાલેજ)
મા વહાણવટી સિકોતર માતાનું મંદિર, જે ખંભાતથી ૭ કિ.મી.ના અંતરે રાલેજ ગામમાં આવેલુ છે. આશરે નવસો વર્ષ પ્રાચીન આ મંદિરમાં ચૈત્રી પૂનમ ઉપરાંત દર રવિવારે મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.
મંદિરના પૌરાણિક ઈતિહાસ અંગે જાણીએ તો, ખંભાત નગરના શેઠ જગડુશા ખૂબ અમીર હતા. વિદેશથી પોતાના કુટુંબીજનો અને નોકર-ચાકરના કાફલા સાથે અઢળક ધન સંપત્તિ લઇ દરિયાઈ માર્ગે પોતાના વતન ભણી આવતા હતા, ત્યારે રસ્તામાં દરિયામાં તોફાન આવતાં શેઠ જગડુશા હરસિદ્ધિ માને પ્રાર્થના કરવા લાગ્યા અને તેમના કાફલાને બચાવવા આજીજી કરવા લાગ્યા. જેથી માતાજીએ તેમની પ્રાર્થના સાંભળી અને ત્રિશૂળની અણીએ વહાણ કિનારે પહોંચાડી દીધું.
તો બીજી તરફ શેઠ જગડુશાની ભક્તિથી માતાજીએ પ્રસન્ન થઇ પોતાનું મંદિર બાંધવાનો આદેશ આપ્યો. બસ ત્યારથી સિકોતર માતાના આ મંદિરની સ્થાપના થઈ અને વર્ષે લાખો લોકો માના દર્શને ઉમટે છે. સિકોતર માતાના મંદિર પાસે એક સ્મશાન હતું, જ્યાં શિવ મંદિર પણ છે.
રાલેજ ગામના આ વહાણવટી સિકોતર મંદિરના પરચા દેશ-વિદેશમાં પ્રચલિત છે. ભારત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓ જ્યારે પોતાના વતનમાં આવે ત્યારે માતાના દર્શને અચૂક આવે છે.
સિકોતર માતાના મંદિર પાસે ઘુષ્મેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ શિવાલય પણ આવેલું છે. જીવનમાં રાલેજ ગામમાં આવેલ સિકોતર માના મંદિર અને જ્યોતિર્લિંગ શિવાલયના દર્શને અચૂક જજો.
આ મંદિર અંગે નવાઇની વાત એ છે કે, અહીં ભારતના નકશામાં ભારતભરનાં તમામ શિવલિંગના એક જ સ્થાનેથી દર્શન કરી શકાય છે. ખંભાતમાં ૯૦૦ વર્ષથી બિરાજમાન માતાજી શિકોતરનું મંદિર ભાવિક ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં ગુજરાત સહિત ભારતભરમાંથી અને વિદેશથી ભક્તો દર્શને આવે છે.