– દડવાની વાવમાં બિરાજમાન રાંદલ મા; ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામમાં વાવની અંદર આવેલું રાંદલ માતાનું પૌરાણિક મંદિર સૌરાષ્ટ્રના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. આ ગામ દડવા (રાંદલના) તરીકે પણ ઓળખાય છે
સૌરાષ્ટ્રમાં નાના-મોટા અનેક પ્રસિદ્ધ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર આવેલાં છે. સૌરાષ્ટ્રમાં ધારી અને દડવામાં આવેલું રાંદલ માતાનું મંદિર ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દડવા ગામમાં વાવની અંદર આવેલું રાંદલ માતાનું મંદિર ૭૦૦થી પણ વધુ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. મંદિર પાસે આવેલા લીંમડાની મંદિર ઉપર પડતી ડાળીઓ મીઠી છે, જ્યારે બાકીની બીજી ડાળીઓ કડવી છે.
રાંદલ માતાના મંદિરનો ઈતિહાસ આશરે ૭૦૦-૮૦૦ વર્ષ જૂનો હોવાનું મનાય છે. ચોમાસા દરમિયાન વાવની અંદર આવેલ રાંદલ માતાના મંદિરમાં રાત્રે પાણી ભરાય છે, જે પાણી ફક્ત માતાજીના ચરણો સુધી પહોંચે છે તેવી પણ લોકવાયકા છે. અહીં નજીકની વાવમાં હંમેશાં પાણી ભરાયેલું જ રહે છે.
કહેવાય છે કે, ભાવનગરના રાણીબા દર્શન કરવા અહીં આવ્યાં હતાં, તે દરમિયાન વેલડું લૂંટાયું હતું. તે દરમિયાન જોગીદાસબાપુ ખુમાણે તેમને બેન માન્યા અને વરતેજના પાદર સુધી તેમને મૂકવા ગયા હતા.
દેલમાલનું લિંબોજી માતા મંદિર: ગુજરાતનું સોલંકીકાલીન આ મંદિર મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં આવેલું છે. આ પુનર્નિર્માણ કાલનું મંદિર છે, કોઈ પ્રાચીન મંદિરના અવશેષ અહીં લાવી એના પર આ નવા મંદિરની માંડણી કરી હોવાનું અનુમાન છે. ઉત્તરાભિમુખ આ મંદિર ગર્ભગૃહ, સભામંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપની વેદિકાની પીઠ ગ્રાસપટ્ટિકા, રત્નપટ્ટિકા વગેરે થર વડે અલંકૃત છે. આસનપટ્ટની પીઠિકા પણ આવી જ શિલ્પપ્રચુર છે. ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશનું શિલ્પ છે. દ્વારશાખાના રૂપસ્તંભમાં લલિતાસનમાં બેઠેલી દેવીનાં શિલ્પો છે. ગર્ભગૃહમાં ચતુર્ભુજ દેવીની પ્રતિમાના જમણા બે હાથમાં ત્રિશૂળ અને વરદ મુદ્રા તથા ડાબા બે હાથમાં ઘંટ અને કળશ ધારણ કરેલાં છે. દેવીના મસ્તક પર સર્પફણા છે. દેવીની બંને બાજુ વાઘ-સિંહ બિરાજમાન છે. ગામના તળાવ કાંઠે આવેલું પારવા દેવીના મંદિર તરીકે ઓળખાતું મંદિર એ અસલ મંદિર છે. ત્યાંની પ્રાચીન પ્રતિમા આ મંદિરમાં પધરાવી હોવાનું મનાય છે. મુખ્ય મંદિરની આસપાસ અન્ય નાનાં મંદિર આવેલાં છે. મુખ્ય મંદિરની સામે ૧૨ સ્તંભો પર ટેકવેલી ચોકીની રચના છે. પશ્ચિમ દિશાએ સાદી રચનાવાળું કીર્તિતોરણ ઊભું છે, જે વર્ષો જૂનું હોવાનું મનાય છે.
ત્રિમુખી ચામુંડા માતા મંદિર: વલસાડથી ૮ કિલોમીટરના અંતરે પારનેરા ડુંગર પર આવેલા કિલ્લામાં આવેલું માતા ચંડિકા, અંબિકા, નવદુર્ગા અને મહાકાળી માનું મંદિર જે ત્રિમુખી ચામુંડા મંદિર તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે, પેશ્વા સમયના આ કિલ્લા પર માતા ચામુંડાની વિશ્વની એકમાત્ર ત્રિમુખી પ્રતિમા છે. જ્યાં માતાજીના ત્રણ સ્વરૂપના એકસાથે દર્શન થાય છે.
માતા ચામુંડા ઊંચા ડુંગર પર બિરાજમાન થઇ ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ ૧૦૦૦ પગથિયાંવાળો મોટો ડુંગર ચઢવો પડે છે. જો કે, ડુંગર પર ચઢવા માટે ટ્રસ્ટ દ્વારા સુવિધા ઊભી કરાયેલી છે.
ડુંગર ચઢતી વખતે રસ્તામાં કિલ્લાની દક્ષિણ બાજુની ગુફામાં મહાકાળી માનું સ્થાનક આવેલું છે. અહીં બંને મંદિરની વચ્ચે એક વાવ આવેલી છે. આસો માસની આઠમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં ૩ લાખ ઉપરાંત ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આસો નવરાત્રીમાં ગરબા રમવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. આ મંદિરમાં સવાર-સાંજ નિયમિત આરતી થાય છે. આ યાત્રાધામ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કેટલાક ભક્તો પગપાળા આવે છે, તો કેટલાક પગથિયે-પગથિયે સાથિયો પૂરતા-પૂરતા આવે છે, તો કેટલાક પગથિયાં પર ફૂલ મુકતાં-મુકતાં આવે છે.
અહીં શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પારનેરા ડુંગર પર આવેલો છે. અહીં પેશ્વાકાળની ૩ ઐતિહાસિક વાવ આવેલી છે. જેમાં હજુ સુધી પાણી ઘટ્યું નથી કે ઘટતું નથી, આ વાવને જોવા દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.
આ મંદિરનો ઈતિહાસ જાણવા જેવો છે. શિવાજી જ્યારે સુરતમાં લૂંટ કરીને મહારાષ્ટ્ર તરફ જતા હતા ત્યારે તેઓ પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન હતા, ત્યારે શિવાજી મહારાજ પર હુમલાનો પ્રયાસ થયો હતો. ત્યારે ચામુંડા માએ શિવાજીને એક ઘોડો અને તલવાર આપીને કિલ્લા પરથી કુદાવી દઇ, નદીના બીજા કાંઠે પહોંચાડી દીધા હતા તેમાં જ શિવાજી મહારાજનો જીવ બચ્યો હતો.
ચૈત્રી નવરાત્રીનું અહિં ખાસ મહત્વ હોઇ, નવરાત્રીના નવ દિવસ અહીં દેવી દુર્ગાની ઉપાસના કરવાની સાથે વ્રત રખાય છે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરી વિધિ-વિધાનપૂર્વક માતાજીના આરાધના પર્વની શરૂઆત કરાય છે.
sanjogpurti@gmail.com