નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ શહેર પોલીસે નવરાત્રિમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા મહિલાઓની સુરક્ષા જળવાય તે માટે આયોજન કર્યુ છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
કોઈપણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતાં ગુનેગારો કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે તે માટે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પા‹કગ અને આસપાસના અંધારાવાળી જગ્યાએ ફરજિયાતપણે લાઈટો લગાવવામાં આવશે. ગરબા મેદાન તરફ જતા રોડ પર આવેલી દુકાનો અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવાના રહેશે. આ સિવાય શી ટીમ પરંપરાગત પોશાકમાં યોગ કરતા લોકો પર પણ નજર રાખશે.
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અથવા તો જે શેરી કે સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, તે તમામ નાના-મોટા ગરબાનું લિસ્ટ બનાવશે અને ત્યાં સિક્યોરિટી ચેક કરશે અને ત્યાં સીસીટીવી લગાવવા જણાવશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસની મદદથી એક યાદી તૈયાર કરશે, જે ગરબા દરમિયાન પાર્ટી પ્લોટમાં પહોંચશે અને ખાસ સુરક્ષા વ્યવસ્થા કરશે, જેમાં પરંપરાગત પોશાકમાં મહિલા પોલીસ પાર્ટી પ્લોટમાં તકેદારી રાખશે. જેથી રોમિયોગીરી કરનાર કોઇ યુવક મહિલાઓની છેડતી ન કરી શકે અને જો તેમ કરતા જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા અંગે અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનના એસીપી હિમાલા જોષીએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ પાસેથી સ્થળની યાદી તૈયાર કરશે. જેમાં સ્થળ અને આયોજકો તેમજ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનો કે કોમર્શિયલ સ્થળોની આસપાસ સીસીટીવી કેમેરા ફરજીયાતપણે લગાવવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા ચાર રસ્તા અને આંતરિક માર્ગો સહિતના મુખ્ય માર્ગો પર પણ સીસીટીવી કેમેરા દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવશે. ખાસ કરીને રોડની સામે આવેલી દુકાનો કે ખાણીપીણીના સ્ટોલ પર ૨૪ કલાક સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, પ્રકાશની પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે અને જ્યાં ઓછી અથવા ઓછી લાઇટિંગ હશે તે સ્થળની આસપાસ સીસીટીવી લગાવવામાં આવશે.