ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદની વચ્ચે ભારતીય સેનાએ રવિવારે લદ્દાખમાં ૧૫,૦૦૦ ફૂટની ઉંચાઈ પર ૭૬ ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ રાષ્ટ્રધ્વજ હનલે ઘાટીમાં ફરકાવવામાં આવ્યો છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યૂરી કોરે ઝંડો ફરકાવ્યો અને તેનો એક વીડિયો પણ ટ્‌વીટર પર શેયર કર્યો.રાષ્ટ્રધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.ભારતીય સેનાએ જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આ ઝંડાને ફરકાવવામાં આવ્યો છે. વીડિયોમાં સૈનિકોના બે સમૂહ ધ્વજને સલામી આપતા નજરે પડી રહ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે.
ભારતીય સેનાના આ પગલાને દુશ્મનો માટે એક મજબૂત સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. આ પહેલા ૨ ઓક્ટોબરે લેહમાં દુનિયાનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઝંડો ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો હતો. શ્રીનગરમાં રક્ષા જનસંપર્ક અધિકારી કર્નલ ઈમરોન મુસાવીએ કહ્યું હતું કે ફાયર એન્ડ ફ્યૂરી કોરે લેહ ગેરીસનમાં એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કર્યુ. જ્યાં એક ઉંચા પહાડ પર ઉપરાજ્યપાલ આરકે માથુર તરફથી વિશાળ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. મેજર જનરલ એમએમ નરવણે અને ઉત્તરી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ભારતીય સેનાએ ભારતની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે છેલ્લા કેટલાક મહિનામાં લદ્દાખમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે ૭ નવેમ્બર, ૧૯૪૭ના રોજ શાલટેંગના યુદ્ધમાં કાશ્મીરીઓ અને ભારતીય સૈનિકો દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરવા માટે ઐતિહાસિક ‘શાલટેંગના યુર્દ્ધને ફરીથી બતાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજ્યો હતો.