(એ.આર.એલ),વડોદરા,તા.૧૭
હાલોલ-વડોદરા રોડ પર ખંડીવાડા પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરનાર યુવક-સગીરાની હાલોલ ફાયર ફાયટરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. બંને હાલોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. યુવક અને સગીરા એકબીજાને પ્રેમ કરતા હતા. બંને સાથે રહી ન શકતાં બંનેએ સાથે મરવાનું નક્કી કર્યું અને એક બીજાનો ફોટો પોતાના સ્ટેટસમાં મુક્યો અને કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી.
યુવક સવારે ૧૦ વાગ્યે ઘરેથી નીકળીને હાલોલ પહોંચ્યો હતો. જ્યાંથી હાલોલ વડોદરા રોડ પર ખંડીવાડા પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં સગીરાને લઈ ગયો હતો. જ્યાં સરનેજ ગેટ પાસે કેનાલ પાસે બંનેએ ચપ્પલ ઉતારી કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બંનેએ એકબીજાના હાથ બાંધી એકસાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું.
કેનાલના ઉંડા પાણીમાં પડતાં જ પોતાને બચાવવા બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. ત્યારે એક રાહદારીએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે વાયરનો ટુકડો ફેંકીને તેને પકડી પણ લીધી હતી, પરંતુ સગીરા પાણીના પ્રવાહમાં વહી રહી હતી. તેના બંને હાથ બંધાયેલા હોવાથી યુવકને બચાવી શકાયો ન હતો અને તેણે સગીરા સાથે પાણીમાં વહેવાનો નિર્ણય લીધો હતો. કેનાલ પર એકઠા થયેલા ટોળામાંથી આ માહિતી મળી હતી.
નહેરનો ભાગ જરોદ પોલીસ મથકના આસોજ આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગતો હોવાથી જરોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલોલ ફાયર ફાઇટરની ટીમ યુવક-યુવતીની શોધખોળ કરી રહ્યી છે. ત્યારે નહેર ઉપર ઉજેતીથી યુવકના પરિવારજનો અને હાલોલથી યુવતીના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થયા હતા.