છેલ્લા ૩ મહિના કરતાં વધુ સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે આ અંગે રાજકોટમાં ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખોડલધામ ‘નરેશ’ના રાજકીય પ્રવેશ અંગે મીડિયાને જણાવ્યું હતું કે ઘરે બેસીને સમાજ અને વ્યવસાયનું કામ કરે તો એ બરાબર છે. જ્યારે આ મુદ્દે સ્ન્છ ગોવિંદ પટેલે મૌન સેવી લીધું હતું અને મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું.
રાજકોટમાં આજે કલેકટર કચેરી ખાતે પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ વડાપ્રધાન મોદી દ્વારા લાભાર્થી બાળકો માટે લાભો તથા સર્વિસીઝ રિલીઝ કરવામાં આવી હતી, જ્યાં હાજર રહેલા રામ મોકરિયાએ વધુમાં મીડિયાને જણાવ્યું હતું કે નરેશ પટેલે હવે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે અને પોતાની ઈચ્છા મુજબ તે કોઈપણ પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજકારણમાં આવવું કે નહીં એ તેની ઈચ્છાની વાત છે.
નોંધનીય છે કે નરેશ પટેલ ૧૦૦ દિવસથી રાજકારણમાં પ્રવેશવા-ના પ્રવેશવાની માઈન્ડગેમ રમી રહ્યા છે. તાજેતરમાં જ મીડિયા સાથે ગેટ ટુ ગેધરમાં પણ ૩૧ મેના રોજ જોહેરાત કરીશ એવું જણાવ્યું હતું, પરંતુ સૂત્રોનું માનીએ તો આટલો સમય મહેનત કરી તો રાજકારણમાં તો નરેશ પટેલ જોડાશે જ. કોંગ્રેસના હાઇકમાન્ડે નરેશ પટેલને એવું જણાવ્યું છે કે પહેલા પાર્ટીમાં જોડાઇ જોઓ, પછી આગળની વાત કરીશું. જ્યારે નરેશ પટેલની ઈચ્છા કોંગ્રેસનો મુખ્યમંત્રી તરીકેનો ચહેરો બનવાની છે.
સમાજના સરવેમાં વડીલોએ સ્પષ્ટ કહ્યું હતું કે ખોડલધામ તમામ પક્ષો કરતાં મોટું છે, એટલે રાજકારણથી તો દૂર જ રહો, પરંતુ નરેશ પટેલની ઈચ્છા છે કે કોંગ્રેસમાં નહીં ગોઠવાય તો વડીલોને આગળ કરી સમાજ અને વડીલના નામે રાજકારણથી દૂર રહીને ફરી ખોડલધામમાં છે એવી રીતે જ સક્રિય રહેશે એવી જોહેરાત પણ કરી શકે છે.