ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ જાતા અશોકે ગુજરાત પર રાજ્ય કર્યુ હતું એવી માહિતી અગાઉ આવી ચુકી છે પછી ઇ.સ.ના આઠમા સૈકામાં ગુજરાતના પંચાસરમાં જયશિખર રાજગાદીએ હતો. અને દક્ષિણે કલ્યાણીમાં ભુવર નામે રાજા હતો. એ ઇર્ષાળુ હતો સામે જયશિખર પ્રજાપ્રેમી અને ન્યાયી હતો. જેથી એની કીર્તિ અને પ્રશંસા જાઇને ભુવરને ઇર્ષા થતી એને પંચાસર પોતાના તાબામાં રાખી લેવાના કોડ હતાં.
જેથી કરીને ભુવરે પંચાસર હાથ કરવા પોતાના સરદાર મિહીરને જયશિખર પર લશ્કર લઇને ચઢાઇ કરવા મોકલ્યો. પણ જયશિખરનાં સેનાપતિ અને સગા સાળા સુરપાલના હાથે કારમી હાર થઇ. આથી ગુસ્સે ભરાયેલ ભુવર જાતે મોટા લશ્કર સાથે પંચાસર માથે ત્રાટક્યો. ભુવરે પંચાસરને ઘેર્યું. આ યુધ્ધ બાવન દિવસ ચાલ્યું હતું. તોય ભુવર જીત્યો નહીં. એટલે એણે એક યુક્તિ કરી. આંકડાનાં દૂધથી એક કાગળ લખી સુરપાલને મોકલ્યો. જેમાં લખ્યું હતું કે તમે અમારા રાજ્યમાં આવી જાવ જેના બદલે તમને અર્ધુ રાજ્ય આપીશ. સુરપાલે કાગળ કંકુ લગાડી તે વાંચ્યો. જેના જવાબમાં સુરપાલે લખ્યું. દૂધમાં એકવાર પાણી ભળી જાય પછી એ જુદા ન પડે. તમે નમકહરામ હશો તેથી ખોટી આશાના વ્હેમમાં રહેતા નહીં.
બીજી તરફ જયશિખરના બહુ વધારે માણસો મરાયા અને પાછળથી કોટ તોડીને લશ્કર અંદર આવ્યું. ત્યારે જયશિખરનું મનોબળ તુટ્યું. જીવવાની આશા છોડીને એણે એના સાળા સુરપાળને બોલાવીને કહ્યું જા તું મારો વંશ રાખવા માગતો હો તો તારી બેન ગર્ભવતી છે તેને કોઇ નિર્ભય જગ્યાએ મૂકી આવ.
સુરપાલ એના બનેવી જયશિખરને એકલો છોડીને જવા માગતો ન હતો પરંતુ સમય વર્તી એ ગયો. એની પાછળ યુધ્ધ ખૂબ જામ્યું. જયશિખર મરાયો. કહેવાય છે કે એનું માથા વગરનું ધડ લડયું હતું. એના મરણની જગ્યાએ ભુવરે ગુર્જરેશ્વર મહાદેવનું મંદિર બંધાવીને જાહેર કર્યું કે હવે હું પંચાસરનો કબજા લેવા જઇશ.
પણ જેવો ભુવર રાજમહેલનો કબજા લેવા ગયો ત્યારે પ૦૦ દાસ-દાસીઓ ઉઘાડી તલવારે નીકળી પડી. એ ભુવરની સામે જંગ ખેલવા તૈયાર થઇ. એણે લશ્કર નગર બહાર કાઢયું હતું. સુરપાલ આવ્યો ત્યારે જયશિખરનું મરણ થયું હતું. તેથી એ એની બહેન પાસે જંગલમાં ગયો. તેની બહેન રૂપસુંદરીને જંગલમાં બહુ દુઃખ પડયા. એમને સંતાઇને રહેવું પડતું. જાકે જંગલમાં રાણીને ભીલોની સહાય સારી હતી અંતે રૂપસુંદરીને વૈશાખ સુદ પુનમે પુત્ર અવતર્યો. એ ખૂબ જ રાજી થઇ. પુત્રનો જન્મ વનમાં થયો એટલે તેનું નામ વનરાજ પાડયું હતું.
આપણા દેશની વાતોમાંથી.