ગુજરાતમાં સામાન્ય વ્યક્તિ કે સોસાયટીના રહીશો જો પાણીનું બીલ ન ભરે તો તેને નોટીસ આપીને પાણીનું જોડાણ કાપી નાંખવામાં આવે છે પરંતુ ઉદ્યોગજૂથો પાણીના બીલ નહીં ભરે તો તેમને માત્ર નોટીસ આપવામાં આવે છે. રાજ્યના એવા ઉદ્યોગ સંચાલકોને સરકારે ૩૫૦૦ કરોડની નોટીસ આપી છે જેની સામે કેટલાક ઉદ્યોગજૂથોએ અદાલતનું શરણું લેતાં બાકી વસૂલાત પૂર્ણ થઇ શકતી નથી.
ઔદ્યોગિક વપરાશ માટે સરકાર નદી કે કેનાલોના પાણી આપે છે તેનાથી વર્ષે ૧૨૦૦ કરોડ જેટલી આવક સરકારને મળે છે. ગયા વર્ષે આટલી આવક મળી છે પરંતુ છેલ્લા બે વર્ષથી રાજ્યના કેટલાક ઉદ્યોગજૂથોએ પાણીના બીલો ભર્યા નથી.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જેમણે પાણીના દરો ચૂકવ્યા નથી તેવા ઉદ્યોગો પાસેથી સરકારને ૩૪૨૫.૪૬ કરોડ રૂપિયાની રકમ વસૂલવાની બાકી છે. જે ઉદ્યોગજૂથો પાસેથી નાણાં વસૂલવાના બાકી છે તેમને સમયાંતરે નોટીસ આપવામાં આવી છે તેમજ તેમની જમીન અને મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ કેટલાક એકમો દ્વારા કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. આ કોર્ટ કેસ સુનાવણી હેઠળ હોઇ કોર્ટનાચૂકાદા પ્રમાણે કાર્યવાહી કરવાની થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર લોકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને ઉદ્યોગોને સંચાલન માટે જરૂરિયાત પ્રમાણેનું પાણી આપે છે. ગુજરાતમાં ઔદ્યોગિક એકમોને જે પાણી આપવામાં આવે છે તેના દર સૌથી ઉંચા છે અને પ્રતિવર્ષ તેમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કરવામાં આવે છે.