શરદ ઋતુ સોળેય કળાએ ખિલી છે અને હવે એનો અંત નજીક છે. હેમન્તના પવનો શરૂ થયા છે. આ ઋતુઓનો સન્ક્રાન્તિકાળ છે. એક આખો યુગ વીતી ગયો અને સમય છાને પગલે ક્યાં સરી ગયો એની સૌરાષ્ટ્રને ખબર જ ન રહી. ઘણાં વરસો પછી સૌરાષ્ટ્રની તમામ નદીઓ બે કાંઠે પુરપાટ વહી રહી છે. આ નદીઓમાં પાછલી પેઢીઓના ધુબકા મારતા બાળપણ વહી ગયેલા છે. ક્યાંક પોતાના ને ક્યાંક ઉપરવાસના પાણીથી નદીયું જોબનવંતી થઈ છે જાણે કે વિક્રમના સિંહાસનની બત્રીસ પુતળીઓ એક પછી એક સજીવન ન થાતી હોય ! સાવ વેરાન પડેલી માલણને જ જુઓ… અત્યારે તો બેય કાંઠે ઘૂઘવાટા કરે છે. શેત્રુંજી એના ઉપરવાસે તો આંખમાં સમાય નંઈ એવી તોફાની દેખાય છે. ગીરના જંગલની મચ્છુન્દ્રી અને હિરણ તો એની પથરાળ ભોમકાને કારણે ઉલ્લાળા મારતી વહે છે. નદી એની યાત્રા આરંભે છે પહાડી પિતાના ખોળેથી અને પહોંચે છે સાગરરાજને પરણવા… પણ એની ગતિને નિંરાતેથી નિરખો તો આ તહેવારોની મોસમમાં તો એમ લાગે કે જાણે સાસરિયેથી આઠમ કરવા પિયરવાટે ન જતી હોય ! પિયર જતી પરણેતરના પગલે પગલે જે ઉમંગ હોય છે એ ઉમંગ એના પગલાની ચપટીક ધૂળ લઈને માણસજાતે તિલક કરવા જેવો હોય છે. એ ઉમંગની એક ઝલક જો જીવતરમાં આવી જાય તો ભવ પાર થઈ જાય. ઉમંગ જિંદગીનું પરમ રસાયણ છે અને ચોમાસાની નદીઓનું તો એ પ્રાણતત્વ છે.નદીઓના સૌન્દર્ય અને એની દેહયષ્ટિની એક અલગ દુનિયા છે. નદીઓનું અંતઃકરણ એના ઘુના છે. હવે તો નદીઓ જ બારમાસી રહી નથી તો ઊંડા ઘુનાની તો વાત જ ક્યા છે ? ઘુનામાં ન્હાવું એ કંઈ જેવાતેવાનું કામ નંઈ. હરિનું અને ઘુનાનું બેયનું તો પરથમ પહેલા મસ્તક મૂકી વળતાં લેવું નામ જેવું છે. એક તો તળ ન દેખાય એટલું ઊંડાણ હોય. પછી એમાં વળી કોતરો ને ભેખડો હોય. જાણભેદુ તરવૈયો ન હોય તો ભેખડમાં પગ ભરાઈ જાય અને ત્યાં જ જિંદગી પૂરી થઈ જાય. ઘુનામાં બારેય માસ ઊંડા પાણી હોય એટલે એના કાંઠાના ઝાડવા ઘટાટોપ ફાલ્યા હોય. એની વળી કેટલીક ડાળ તો ઘુના પર જ ઝૂકી હોય. એ ડાળીઓય થડ જેવી હોય. સાહસિક છોકરાવ એ ડાળીએ ચડીને ઘુનામાં ડૂબકી મારે. કેટલાક ઘુનાઓના નામ મઘરિયા ઘુના હોય. એટલે એમાં એક-બે મગર રહેતા હોય. એવા મઘરિયે જાવું ને ધુબકે ધુબકે ન્હાવું એ તો સ્વર્ગાધિક સુખ આપનારું સાહસ છે.નદીએ બાળકને પહેલીવાર તો મા જ લઈ જાય. શેરીમાં ને ગામના ચોકમાં ને એમ જગતનું દર્શન સૌથી પહેલાં પિતા જ કરાવે પણ નદીએ તો બા લઈ જાય અથવા ફઈબા લઈ જાય. ઘરનું કામ કરવાનું ને બાળકને સાચવવાનું. એટલે નદીએ મા કપડાં ધોવા જાય ત્યારે આંગળીએ બાળકને પણ લઈ જાય. કાંઠાના છીછરા પાણીમાં બાળક છબછબ કરે ન કરે ત્યાં તો કપડાંની ધોણ્ય પૂરી થઈ જાય. ત્યાંથી માતાના સંસ્કારો સાથે લોકમાતાના સંસ્કારોનો પ્રવાહ સંમિલિત થાય તે પછી આજીવન ચાલે. અનેક ગામડાંઓમાં સ્મશાન નદીને સામે કિનારે સહેજ દૂર હોય.
મૃતકોને અગ્નિસંસ્કાર આપીને પછી નદીએ ન્હાયા પછી જ બધા ઘરે આવતા. આજેય અનેક પ્રકારની શ્રાદ્ધવિધિઓ નદીકાંઠે થાય છે એનું મૂળ કારણ નદીઓના સામા કાંઠે રચાયેલા સ્મશાનોની પરંપરા છે. એ જુના જમાનામાં પણ નદીઓમાં કોઈ પદાર્થ વહેતા મૂકાતા નહિ, કારણ કે ગામેગામ લોકો નદીકાંઠે જ હોય. પશુપાલકો કાંઠાના ઝાડ નીચે વિસામો લેતા અને એના પશુઓ આસપાસની ટેકરીઓ અને ચરવાણમાં ફરતા ફરતા ચરતા. નદીનું પાણી જ બધા ગામના પાણિયારે પહોંચીને પીવાતું રહેતું એટલે નદીની શુદ્ધિ સહુ સ્વયમેવ જાળવતા. માણસજાતે જરાક સગવડ મળી કે કુદરતનો હાથ છોડાવી લીધો, જેમ મેળામાં તોફાની બાળક માની આંગળીએથી સરકી જાય એમ. એસીની ઠંડક મળી કે તરત જ આથમણા બાર અને બારી પડતા મેલ્યા. વગડામાંથી આવતા લીલી ટાઢકવાળા પવનની હવે એને શું પડી હોય ? સાયકલ આવી કે તરત ઘોડા પરથી માણસ નીચે ઉતરી ગયો. જે ઘોડાએ એને હજારો વરસોનો સાથ આપ્યો અને દુર્ગમ પહાડોય પાર કરાવીને નવખંડ ધરતીમાં રમતો કર્યો એ માણસે એ જ ઘોડાને પડતો મૂકી દીધો. ઘર આંગણે નળ આવ્યા, એટલે ઘટ, પનઘટ અને નદીને પણ પડતા મેલ્યા ! એમાંથી જ તો માણસ હવે મા-બાપનેય પડતા મેલતા શીખી ગયો.નદીને માણસે સાથે રાખવા જેવી હતી. અને માણસજાતે જો ધાર્યું હોત તો સાવ સહજ પ્રયાસે ભારતની બધી જ નદીઓ બારેય માસ વહેતી હોત. હવે તો એ પરિસ્થિતિ દૂર દૂરના ભવિષ્યમાં પણ સંભવ નથી. દક્ષિણ ભારતના કેટલાક સાધુ પુરુષોએ આજકાલ દેશની તમામ નદીઓને સજીવન કરવાની નેમ ઉપાડી છે પરંતુ એનાથી વિરાટ ભારતનું ઠેબે ચડી ગયેલું લોકહૃદય કેમ કરીને નદી તરફ પાછું ફરશે એ એક કોયડો છે. તોય નદીઓના કાંઠે સાવ અંધારું હતું એમાં કોઈએ દીવો તો કર્યો એટલો તો મહિમા એનો છે. હવે તો નદીઓ કોઈના સપનામાં પણ આવતી નથી. દિવમ્‌ ગતાઃ ! આપણા દેશના રાજનેતાઓ અને પ્રજાના હજાર અગ્રતાક્રમોમાં ક્યાંય નદી નથી. એકલી ગંગા જ સ્વર્ગમાંથી અવતરી નથી. દરેક નદી સ્વર્ગમાંથી જ અવતરીને સ્વર્ગીય સુખનો વસુંધરા પર અભિષેક કરતી હતી. પરંતુ એક વાત એ છે કે નદીઓ કંઈ એમ નામશેષ થઈ જવાની નથી. એના બદલાયેલા રૂપે એ પ્રલયકારી થઈ મન ફાવે ત્યારે આવશે કારણ કે માણસ નદીવિમુખ થયો એનાથી કંઈ આખી ધરતીનું ભૂસ્તર તો બદલાઈ જવાનું નથી. લોકમાતાની વાત્સલ્યધારા હવે વિનાશક વહેણ બને જ છે. એના કારણો ભલે જલ્દી ન જડે પણ આમ નહિ તો તેમ નદી મા છે એટલે માણસજાતને ગળે તો વળગાડશે એમાં ફેર નહિ પડે. પૂર્વોત્તર ભારતમાં જે મુખ્ય નદીઓ તોફાની બની છે એનું પ્રમુખ કારણ એ છે કે એની ઉપનદીઓ બુરાઈ ગઈ છે. નદીઓનો આખો અધ્યાય આપણા દેશમાં ઊઘાડવાનો જ બાકી રહી ગયો છે. આજકાલ શેત્રુંજી, સાબરમતી, તાપીની જે ઉપનદીઓ છે એમાં ભરપુર પ્રવાહ છે. આ શરદ ઋતુ છે એટલે એના પાણી લીલા કાચ જેવા આરપારિયા થઈ ગયા છે. શરદના પવનની પહેલી લહેરે જ વરસાદી ડહોળ બધો તળિયે બેસી ગયો છે. આ નદીના અમરત ઘૂંટડા આ વરસે તો ઘટક ઘટક ગળે ઉતારવાની મઝા પડે એમ છે.