નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલના આત્મહત્યા પ્રકરણમાં ચાર દિવસના અંતે રૂરલ પોલીસે કોલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ સામે એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. ૧૯ વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું, જે બાદ તેના પિતાની ફરિયાદ અને સુસાઈડ નોટના આધારે પોલીસે કોલેજના પ્રિન્સિપાલ, ત્રણ મહિલા પ્રોફેસર અને એક અન્ય શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક વિદ્યાર્થી પાસેથી મળી આવેલી હૃદયદ્રાવક સુસાઈડ નોટમાં તેણે “સોરી મમ્મી, હું કંટાળી ગયો છું” લખીને કોલેજમાં મેડમ દ્વારા અપાતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, જયને ખોટા આરોપોમાં ફસાવી દઈ બદનામ કરવામાં આવતો હતો અને વારંવાર એલસી પકડાવી દેવાની ધમકી આપી દબાણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં એવો પણ ગંભીર આક્ષેપ છે કે આરોપી સ્મિતે વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે તે છેલ્લા ત્રણ દિવસથી ભારે ડિપ્રેશનમાં હતો.
બીજી તરફ આ ગંભીર ઘટના બાદ કોલેજ પ્રશાસને બચાવની મુદ્રામાં આવી સફાઈ આપી છે કે વિદ્યાર્થી શિસ્તબદ્ધ ન હોવાથી તેને માત્ર સમજાવવામાં આવ્યો હતો. કોલેજના દાવા મુજબ મૃતક વિદ્યાર્થીએ અગાઉ ત્રણ વખત વિવિધ ગેરરીતિઓ બદલ માફીપત્ર પણ લખી આપ્યા હતા. જાકે, મૃતકના પરિવારજનોનો સ્પષ્ટ આરોપ છે કે શિસ્તના નામે શિક્ષકોએ એકસંપ થઈને વિદ્યાર્થીને ટાર્ગેટ કર્યો હતો અને તેને માનસિક રીતે સાવ એકલો પાડી દીધો હતો, જેના પરિણામે તેણે આ અંતિમ પગલું ભરવું પડ્યું.
બનાવની ગંભીરતા અને એટ્રોસિટી એક્ટની કલમોને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા હાલમાં કોલેજ કેમ્પસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની સાથે મૃતક વિદ્યાર્થીના મોબાઈલ રેકોર્ડ્‌સની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. સુસાઈડ નોટમાં જે જે લોકોના નામ અને ઉલ્લેખ છે, તેમની સઘન પૂછપરછ હાથ ધરી કડક કાયદાકીય પગલાં લેવાની પોલીસે ખાતરી આપી છે.