ખેડામાં નડિયાદ તાલુકાના માંગરોલી નજીક નીલગાયના ટોળાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવાનનું મોત થયું છે. યુવાનના મોત બાદ પરિવાર આઘાતમાં સપડાયો છે.

નડિયાદ તાલુકામાં માંગરોલી નજીક અકસ્માત બાદ ૨૫ થી વધુ નીલગાયના ટોળાએ યુવાનના માથાને પગ વડે ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંભીર રીતે ઘાયલ થયા બાદ સ્થાનિકોની નજરે ચડતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ માંગરોલીમાં રહેતા મયંકભાઈ ચંદુભાઈ પટેલ તમાકુ વેચીને કમાયેલા પૈસા બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. ઘરમાં વધુ પડતા પૈસા રાખવા જોખમી હોવાથી બપોરે કેનાલ રોડ પર બાઇક પર પસાર થઈ રહ્યા હતા. દરમિયાન મયંકભાઈનું બાઇક નીલગાય સાથે અથડાયા પછી પડી ગયા હતા.

અન્ય નીલગાયના જૂથે પણ મયંકભાઈને કચડી દીધાં હતા. અંદાજે ૨૫ જેટલી નીલગાય મયંકભાઈના શરીર પરથી પસાર થતાં માથા અને છાતીમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે જીવલેણ સાબિત થઈ. કેનાલ રોડ નજીકથી પસાર થતા અન્ય લોકોએ તેમને જોતા તાત્કાલિક ઉમરેઠની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા, જ્યાં તેમને છેલ્લા શ્વાસ લીધા. જાણકારી મુજબ વિસ્તારમાં નીલગાયનો ત્રાસ ખૂબ વધી ગયો છે. વનવિભાગને સમસ્યા અંગે માહિતગાર પણ કરાયા છે, તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી તેમ જાણવા મળ્યું છે.