એક હતો ચિન્ટુ. તેને દડા સાથે રમવું બહુ ગમે. એક દિવસ ચિન્ટુના પપ્પા તેના માટે એક નવો, રંગબેરંગી દડો લાવ્યા. દડો ગોળમટોળ હતો. તેના પર લાલ, પીળા અને લીલા રંગનાં નાનાં-નાનાં તારલાં હતાં.
ચિન્ટુએ દડો હાથમાં લીધો અને બોલ્યો, “વાહ! આજે તો આપણે ધમાલ કરીશું!”
ચિન્ટુએ દડો જમીન પર પટક્યો.
ટપ્પ!
દડો ઊછળ્યો.
ટપ્પ! ટપ્પ!
અને અચાનક દડો ચિન્ટુના હાથમાંથી છટકીને દરવાજા બહાર દોડી ગયો!
“અરે! ઊભો રહે, નટખટ દડા!” ચિન્ટુ તેની પાછળ દોડ્‌યો.
દડો આગળ-આગળ અને ચિન્ટુ પાછળ-પાછળ.
દડો સીધો રસોડામાં ઘૂસી ગયો.
ધડામ!
રસોડામાં તે આમતેમ ગબડવા લાગ્યો. થોડીવારમાં એ રસોડામાંથી બહાર નીકળ્યો અને સીધો આંગણામાં ગયો.
આંગણામાં દાદા ખાટલા પર બેઠા હતા. દડો ઉછળતો-ઉછળતો દાદાના પગ પાસે ગયો.
દાદાએ દડાને રોકવા પગ આગળ કર્યો. પણ દડો તો બહુ નટખટ!
ટપ્પ!
દડો દાદાના પગને અડક્યો અને સીધો તેમના ખોળામાં જઈને સંતાઈ ગયો.
દાદા હસીને બોલ્યા, “અરે વાહ! આ દડો તો ભારે નટખટ! લાગે છે એને મારો ખોળો બહુ ગમે છે!”
ચિન્ટુ દોડતો આવ્યો અને બોલ્યો,
“દાદા! મારો દડો આપો.”
દાદાએ દડો ચિન્ટુને આપ્યો અને કહ્યું, “બેટા ચિન્ટુ, આ તારો દડો તો ભારે નટખટ હોં! જરા એને સાચવીને રાખજે. તારી જેમ એ પણ બહુ કૂદાકૂદ કરે છે.”
ચિન્ટુએ તરત હા પાડી.
બંને મેદાનમાં ગયા. ચિન્ટુએ દડો ધીમેથી ઉછાળ્યો. દડો ચિન્ટુ પાસે પાછો આવ્યો.
ફરી ઉછાળ્યો.
ફરી પાછો આવ્યો.
ચિન્ટુ ખુશ થઈને બોલ્યો, “હવે મારો દડો નટખટ નથી રહ્યો હોં!”

એટલામાં દડાએ એક મોટો ટપ્પો માર્યો અને સીધો ચિન્ટુના માથા પર જઈને –
ટપ્પ!
ચિન્ટુ હસવા લાગ્યો.
દાદા પણ ખડખડાટ હસ્યા.
ચિન્ટુ બોલ્યો, “દાદા! આ દડો હજીય પણ નટખટ જ છે!”
દાદા બોલ્યા, “હા, પણ દડો નટખટ હોય તો જ રમત રમવાની મજા પડે!”
બંને હસતાં-હસતાં દડા સાથે રમવા લાગ્યા. નટખટ દડો ઊછળતો જાય ને ચિન્ટુ હસતો જાય.
Mo ૯૦૯૯૧૭૨૧૭૭