નગરપાલિકાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ રાજુલાની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી અને નગરપાલિકા ચૂંટણીની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.રાજુલા નગરપાલિકાના ઇન્ચાર્જ કિશોરભાઈ ધાખડા સાથે ચૂંટણી અંગેની વ્યૂહરચના ઘડ્‌યા બાદ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા, જિલ્લા ઉપપ્રમુખ ભરતભાઈ બલદાણીયા, આપ નેતા જેન્તીભાઇ બાંભણિયા, તાલુકા પ્રમુખ કીરીટ પંડ્‌યા અને શહેર પ્રમુખ હુસેનભાઇ ઝાંખરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.સભા દરમિયાન રાજુલા શહેરના વિકાસ અને નાગરિકોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. નગરજનોએ તેમની સમસ્યાઓ રજૂ કરી હતી, જેની ઈશુદાન ગઢવીએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી હતી. કાર્યક્રમના અંતે ખાંભા તાલુકાના નવા પ્રમુખ તરીકે કમલેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી હતી.