રાજકોટમાં સોનીબજારના ૨૫થી વધુ સોની વેપારીઓ સાથે દિવાળી ટાણેજ કરોડોનું સોનુ કેવડવાડીનો શખ્સ ચાઉં કરી ગયો હોવાનું માલુમ પડતા વેપારીઓ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા.ત્યારે પોલીસ મથકેથી જાણવા મળ્યું કે આ શખ્સ લાપતા થયાની પોલીસમાં ગુમનોંધ કરાવી હતી.જેથી એ ડિવિઝન અને ક્રાઇમબ્રાન્ચ બંનેએ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા શખ્સનું લોકેશન રાજકોટમાં જ આવતા પોલીસે આરોપીને ડિટેઇન કરી પોલીસ મથકે લાવ્યો હતો.આ બનાવનો ભેદ ઉકેલવામાં હજુ કલાકો થયા છે ત્યાં વધુ એક કૌભાંડ સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
રાજકોટના વિરાણી ચોકમાં આવેલી એસબીઆઈ બેન્કમાં નોકરી કરતા અને ગોલ્ડ લોન આપતા વેલ્યુઅરે ૨૨ કેરેટના સોનાનું બોગસ સર્ટીફિકેટ બેન્કમાં જમા કરાવી વેલ્યુઅરે ૧૪ જેટલા લોન ધારકોને અંદાજીત ૧ કરોડ જેટલી રકમની લોન આપી બેન્કમાં નકલી સોનુ જમા કરાવ્યું હોવાનું કૌભાંડ સામે આવતા જ એસબીઆઈ બેન્કના મેનેજર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેઓએ ત્યાં પીઆઇ સમક્ષ વિગતો આપી પોલીસમાં વેલ્યુઅર અને લોન ધારક સહિત ૧૫ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે.
ધવલ ચોકસી ઘણા સમયથી બેન્કમાં નોકરી કરે છે.કોઈ ગોલ્ડ લોન લેવા આવતા લોકો જ્યારે સોનુ આપે ત્યારે તે સોનુ કેટલા કેરેટનું છે?તેનું સચોટ પ્રમાણપત્ર આપતા સોનાની વેલ્યુ નક્કી કરી તેઓને લોન આપવામાં આવે છે.ત્યારે બેન્કની બ્રાન્ચમાં અલગ અલગ સમયે ૧૪ જેટલા લોન ધારકોએ નકલી સોનુ ધાબડી અંદાજીત રૂ.૧,૧૬ કરોડની લોન લઇ લીધાનું બહાર આવ્યું છે.વેલ્યુઅર ધવલ ચોકસીએ લોનધારકોને ૨૨ કેરેટ સોનુ હોવાનું પ્રમાણ પત્ર આપી લોન કરાવી દીધાનું માલુમ પડ્યું હતું.બેંકના એક સર્વેયરને તપાસ કરવાનું કહેતા ઉપર સોના જેવું અને અંદર પિતળ હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી જેટલા લોકોને લોન આપી તેઓના નામનું લિસ્ટ લઈ તુરંત એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પીઆઇ સી.જી.જાશી સહિતના સ્ટાફે મેનેજર રવિ સિંગનું નિવેદન નોંધી તેમજ વેલ્યુઅર ધવલ ચોકસી તેમજ ૧૪ લોનધારકો સહિત ૧૫ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અંગે તપાસ કરતા વેલ્યુઅર અને લોનધારક વચ્ચે મિલીભગત હતી અને અમુક લોન ધારકોએ તો બેન્કમાંથી બે થી ત્રણ વાર લોન લીધી છે.જાકે હાલ ધવલ ચોકસી ફરાર હોય એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.