ગુજરાતીઓનું વિદેશમાં જવાનું ઘેલું એટલું છે કે તેના માટે તેઓ કોઈ કાયદાની તમા કરતા નથી. આવા જ એક અમદાવાદીએ ૨૦૧૯માં મુંબઈથી કેનેડામાં વિઝિટર વિઝા દ્વારા જવાના નિષ્ફળ પ્રયત્ન પછી ૨૦૨૪માં દિલ્હીથી ગેરકાયદેસર રીતે જવાનો પ્રયત્ન કર્યો હતો.
ઈમિગ્રેશન બ્યૂરોના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના રાણીપ વિસ્તારમાંથી ક્રુપેશ પટેલ તરીકે ઓળખાતા એક વ્યક્તિને ૨૨ ઓગસ્ટના રોજ દિલ્હીના ઈન્દીરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી અને છેતરપિંડી કરવાના આરોપમાં પકડવામાં આવ્યો હતો.
“પટેલે ડિપાર્ચર ક્લીયરન્સ મેળવવા ઇમિગ્રેશન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. તે ફ્લાઇટ એઆઇ ૧૮૭ પકડવાનો હતો અને તેના વિદેશ જવાના સમર્થનમાં ૭૩૧૬૯૬૬૭૨ નંબર સાથે કેનેડિયન વિઝા રજૂ કર્યા. પટેલના પ્રવાસ દસ્તાવેજાની ચકાસણી દરમિયાન તેના કેનેડિયન વિઝાની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, ” એમ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પોલીસમાં નોંધાયેલી એફઆઇઆરમાં જણાવાયું છે. એફઆઈઆરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “વિઝાના શંકાસ્પદ સ્વભાવને કારણે આ બાબત કેનેડિયન અધિકારીના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યારબાદ,એએલઓએ ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે પટેલના કબજામાં રહેલા વિઝા નકલી હતા.”
દિલ્હીમાં આઇજીઆઇ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે પટેલને અગાઉ ૧૦ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ મુંબઈ એરપોર્ટ પર કેનેડા જતી ફ્લાઈટમાંથી બો‹ડગ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસમાં બનાવટીનો કેસ નોંધવામાં આવ્યો હતો. બ્યુરો ઓફ ઈમિગ્રેશન દ્વારા આ માહિતીને સમર્થન આપવામાં આવ્યું છે. “મુંબઈમાં કેસ નોંધવામાં આવ્યો હતો જ્યારે પટેલે તે જ નકલી કેનેડિયન વિઝિટર વિઝાનો ઉપયોગ કરીને કેનેડા જવાનો પ્રયાસ કર્યો હતો,” એમ દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પોલીસમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં જણાવાયું હતું. દિલ્હી પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે જામીન પર છૂટ્યા હોવા છતાં અને મુંબઈમાં ચાલી રહેલી ટ્રાયલનો સામનો કરવા છતાં, પટેલે દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પરથી સમાન બનાવટી વિઝા પર મુસાફરી કરવાનો પ્રયાસ કરવાની જબરી હિંમત કરી હતી.
દિલ્હીના કાયદા અમલીકરણ અધિકારીઓ હાલમાં પટેલને નકલી વિઝા આપનાર વિઝા એજન્ટને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.આઇજીઆઇ એરપોર્ટ સત્તાવાળાઓએ પટેલ પર પાસપોર્ટ એક્ટ હેઠળના આરોપો ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા હેઠળ છેતરપિંડી, બનાવટી અને બનાવટી દસ્તાવેજાને અસલી તરીકે રજૂ કરવાની જોગવાઈઓ હેઠળ આરોપ મૂક્યો છે.