તારીખ ૦૬ માર્ચ ૨૦૨૪ના રોજ રાજ્યકક્ષાએ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ઉજવણી કાર્યક્રમ ગાંધીનગરના કોબા લો યુનિવર્સિટી ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ધ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટને મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તરફથી ગુજરાતના મહિલા બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર લીલીયા મોટા ગામના વતની રમેશભાઈ બાબુભાઈ ભાલાળાના પુત્રવધુ તથા દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર મિતલનેબેન જિજ્ઞેશ ભાલાળા દ્વારા સંસ્થા વતી સ્વીકારવામાં આવ્યો હતો. નવસારી સ્થિત ધ દેસાઇ ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા ૨૫ વર્ષથી ગ્રામીણ ભારતમાં આરોગ્ય, આજીવિકા માટે સામાજીક કાર્યક્રમો દ્વારા મહિલાઓ અને બાળકોનું સશક્તિકરણ કરવા માટે સ્વૈચ્છિક કાર્ય કરી રહ્યું છે. સંસ્થા ૩૦ જેટલા મહિલા અને બાળ વિકાસના કાર્યક્રમો ચલાવી રહી છે.