ધ્રાંગધ્રા શહેરમાં પણ હવે ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ફાયરિંગ, લૂંટ તથા હત્યા જેવી બાબતો હવે અહીં સામાન્ય બની છે. કારણ કે પોતાની દીકરીને હેરાન કરતા લુખ્ખાને ટોકતા એક નિર્દોષ બાપને મોત મળ્યું છે. જોકે ઘટના બાદ તાત્કાલિક પોલીસ દોડતી થઇ હતી અને હત્યારા બન્ને સગા ભાઈઓની ધરપકડ પણ કરાઈ છે, પરંતુ નજીવી બાબતે ખેલાયેલા ખુની ખેલે હાલ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
બનાવની વિગતો અનુસાર, ગત ૪ ઓગસ્ટ, ૨૦૨૫ની રાત્રે આઠ વાગ્યાની આસપાસ ધ્રાંગધ્રા શહેરમાં રામબોલ મંદિર નજીક પ્રીતુ કૃપા જ્વેલર્સની દુકાન પાસે રહેતા પારેખ પરિવાર ઘરમાં ઘૂસીને બે સગા ભાઈઓએ બોલાચાલી શરુ કરી અને કલ્પેશભાઈ પારેખ સહિત તેમના પત્ની નિશાબેન પારેખ અને પુત્રી ક્રિષ્ના પારેખ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટના બાદ ત્રણેયને લોહીલુહાણ હાલતમાં છોડી બંને નરાધમો ત્યાંથી નાસી છુટ્યા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કલ્પેશભાઈ પારેખનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાથી આખો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જ્યારે પત્ની નિશાબેન અને પુત્રી ક્રિષ્નાબેનને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત પીઆઇ પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.
આ મામલે પોલીસે ઘટનાસ્થળેથી પારેખ પરિવાર પર હુમલામાં વપરાયેલ લોહીલુહાણ છરીને જપ્ત કરી, તપાસ શરુ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવી બાતમીના આધારે હત્યાના બંન્ને આરોપીઓ ઉદયભાઈ વ્યાસ અને પાર્થિવભાઈ વ્યાસને પણ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. જે બાદ તેમની પુછપરછ કરતા આ બનાવ અંગેના ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા શહેરમાં રહેતા આ પારેખની દીકરી ક્રિષ્ના પારેખ સુરેન્દ્રનગર ખાતે કોલેજનો અભ્યાસ કરવા દરરોજ અપ-ડાઉન કરે છે. દરમિયાન એક દિવસ ઉદય વ્યાસ નામના શખ્સે તેને પુછ્યું કે, ‘તમે સુરેન્દ્રનગર જાઓ છો.’ જાકે ત્યારે તો ક્રિષ્નાએ આ વાતનો કંઈ જવાબ આપ્યો નહીં અને બાદમાં ઘરે પહોંચીને આ બનાવની જાણ તેના પિતા કલ્પેશભાઈ પારેખને કરી હતી. આ બાબતે પિતા કલ્પેશભાઈએ નરાધમ ઉદય વ્યાસને ઠપકો આપ્યો હતો. જે બાબતનું મન દુઃખ રાખીને તેના પાર્થિવ વ્યાસ સાથે મળીને આ ખુની-ખેલ રમી નાખ્યો હતો.
પોતાની દીકરીને નરાધમોથી બચાવવા માટે પિતાની હત્યાના બનાવથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ ઘટનામાં મૃતકની પુત્રી ક્રિષ્નાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા ગુનાખોરીનાં પ્રમાણથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ગુનેગારોમાં કાયદાનો ડરની જગ્યાએ સ્થાનિક લોકોમાં આવા લુખ્ખા તત્વોનો ભય વધ્યો છે.









































