શહેરમાં તસ્કરોની રંજાડ દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. તેમજ ટાઉન પોલીસની કામગીરી નબળી પડતી જાય છે. ધોળકા શહેરમાં ચોરી, ધાડ, મારામારી સહિતના બનાવો વધી રહ્યા છે. એથી ધોળકા ટાઉન પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.
જાણે તસ્કરો સ્થાનિક પોલીસના ધજાગરા ઉડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ધોળકા ખાતે ધોળકા – સરખેજ રોડ પર આવેલી ગાયત્રીનગર સોસાયટીના મકાન નં. ૨૧માં ગત તા. ૧૪મી માર્ચે બપોરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરે ઘૂસી રૂ. એક લાખની રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૩,૪૩,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયો હતો. વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાની ગાયત્રીનગર સોસાયટીના મકાન નંબર – ૨૧માં રહેતા હરિભાઈ સોમાભાઈ મકવાણા ભેટાવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે તથા તેમના પત્ની આરોગ્ય કેન્દ્ર, ત્રાસદ ખાતે ફરજ બજાવે છે. આ પતિ – પત્ની તા. ૧૪મી માર્ચના રોજ ઘરે તાળું મારી નોકરીએ ગયા હતા. તે દરમિયાન બપોરના ૧૨ઃ૩૦ વાગ્યાથી સાંજના ૪ વાગ્યાં સુધી કોઈ અજાણ્યા તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી એક લાખ રૂપિયા રોકડા તથા રૂ. ૨,૪૩,૦૦૦ની કિંમતના સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૩,૪૩,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હમણાથી ધોળકા શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈની તાત્કાલિક ધોરણે બદલી કરવી જાઈએ અને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં કડક અધિકારીની નિમણુક કરવી જાઈએ. તેવી ધોળકા શહેરની જાગૃત જનતામાં માંગ ઉઠી છે.