ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં ખુલ્લેઆમ દેશી અને બનાવટી દારૂનું વેચાણ થતું હોવાના સમાચાર અવાર-નવાર સામે આવતા હોય છે. ઘણી દેશી કેમિકલ યુક્ત દારૂ પીવાના લીધે ઘણા લોકોની તબિયત બગડતી હોય છે. ત્યારે ધોલેરામાં દેશી દારૂ પીવાના લીધે બે લોકોના મોત થતાં ચકચાર મચી જવા પામ્યો છે. મૃતકોએ જે સ્થાનેથી દારૂ લીધો હતો, ત્યાંથી અન્ય ૨૦ જેટલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સાવચેતીના ભાગરૂપે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ચાલી રહી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લઠ્ઠાકાંડની આશંકા વ્યક્ત કરી છે.

પ્રાથમિક માહિતીના આધારે અમદાવાદ ગ્રામ્ય એસ.પી.એ જણાવ્યું હતું કે ડિહાઇડ્રેશનના લીધે મૃતકોના મોત નીપજ્યા હોવાનું અનુમાન છે, જોકે લઠ્ઠાકાંડ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ મામલે લઠ્ઠાકાંડની દિશામાં તપાસ જરૂરી છે જેથી સત્ય બહાર આવે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ધોલેરામાં લઠ્ઠાકાંડ થયો છે અને મજદૂરના મૃત્યુ થયા છે પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવી દેવાની કોશિશ થઇ રહી છે તેવા કેટલાક ફોન મારા ઉપર આવ્યા છે. મુખ્યમંત્રી આપ યોગ્ય તપાસ કરાવશો જેથી સત્ય બહાર આવે અને સારવારના અભાવે કોઇ ગરીબના વધુ મૃત્યુ ના થાય.

જ્યારે અન્ય એક ટીવટ દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘અમદાવાદના ડીએસપીનો મારા ઉપર ફોન આવ્યો છે કે ધોલેરામાં દેશી દારૂ ખૂબ જ પીવાના કારણે બે વ્યક્તિના મૃત્ય થયા છે . જે બુટલેગરના ત્યાંથી મૃતકોએ દારૂ પીધો હતો, તે જ જગ્યાએથી બીજા જે લોકોએ દારૂ પીધો હતો તેઓને પ્રિકોશનના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ જાતે જ ગુન્હાની ઉપર નજર રાખી રહ્યા છે . જે બાબતની હું સરાહના કરું છું પરંતુ સમગ્ર ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિ જે રીતે વધી છે તે ચિંતાનો વિષય છે .

આ મામલે ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર પોસ્ટ લખ્યું હતું કે “ધોલેરા કાંડમાં મજૂરના મોતને ગંભીરતાથી લઈ તાત્કાલિક એસઆઇટી રચી તપાસ શરૂ કરે. ગામડાનાં ગરીબ મજૂરોની જિંદગી પણ એટલી જ કિંમતી છે જેટલી કોઈ વધુ પ્રભાવશાળી વ્યક્તિની હોય..!” હવે તો ગરીબોની પણ સલામતી માટે ન્યાયની વ્યવસ્થા ઊભી કરો..!