ધોરાજી શહેરનાં જુનાગઢ રોડ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ક્રોસિંગ પાસે ડાયવર્ઝન આપવાને બદલે કિલોમીટર દુર સૂધી ડાયવર્ઝન આપવામા આવતાં ધોરાજીનાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અનેક રજૂઆતો છતા નીંભર તંત્રના કાને પ્રજાનો અવાજ નહી પડતા આખરે હિત રક્ષક સમિતિના નામે શહેરીજનોએ જુનાગઢ રોડ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. કોઈપણ રોડ રસ્તા કે પુલના નિર્માણ કાર્ય સમયે રાહદારીઓ માટે આસપાસમાં ડાયવર્ઝન અપાતું હોય છે. ત્યારે ધોરાજીના જુનાગઢ રોડ પાસે ઓવરબ્રિજની કામગિરી સંદર્ભે ધોરાજીથી જુનાગઢ જવા માટે આઠથી દસ કિલોમીટર દૂર ડાય વર્ઝન અપાયું છે. તે તંત્રની સીધી બેદરકારી દર્શાવે છે. જેના વિરોધમાં ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગકારો, ખેડૂતો, વેપારીઓ દ્વારા જુનાગઢ રોડ ફાટક પાસે ચક્કાજામનો કાર્યક્રમ અપાયો હતો.










































