બે દિવસ પહેલાં ધોરાજીની નવી શાકમાર્કેટ પાસે ગંદા પાણીના નિકાલના બુગદામાંથી એક ૪૫ વર્ષીય વ્યક્તિનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ ધોરાજીના રામપરા વિસ્તારના દેવીપૂજક બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા તરીકે થઈ હતી. ધોરાજી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ, મૃતક બટુકભાઈના પત્ની તારાબેને પોતાના પતિના નજીકના મિત્ર વિક્રમભાઈ મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તારાબેને જણાવ્યું કે તેમના પતિ બટુકભાઈ અને વિક્રમ વારંવાર સાથે જોવા મળતા હતા. તેમને શંકા છે કે બંને વચ્ચેની કોઈ તકરારને કારણે તેમના પતિની હત્યા થઈ છે. ઘટનાસ્થળે મૃતકના માથા પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જ્યારે તેમના કપડાં અને ચપ્પલ બુગદાથી થોડે આગળ મળી આવ્યા હતા.