ધોરાજીના કડીયાવાડ સ્થિત પ્રાચીન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ખાતે આગામી તારીખ ૧૧ થી ૧૩ દરમિયાન જગતગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. પૂજ્ય પાદ ગોસ્વામી ચંપકલતાબેટીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાનારા આ ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે સ્તોત્રગાન અને નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે જ્યારે બીજા દિવસે પાઠશાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. ઉત્સવના અંતિમ દિવસે એટલે કે સોમવારે સવારે પલના ઉત્સવ અને બપોરે તિલક નંદમહોત્સવ યોજાશે. સાંજે ૫ઃ૩૦ કલાકે હવેલીએથી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે જે કડવા પાટીદાર સમાજ પહોંચશે જ્યાં શ્રી પાદુકાજીના કેસર સ્નાન અને વચનામૃત બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. એડવોકેટ બાબુલાલ જાગાણીએ સર્વે વૈષ્ણવોને આ ભક્તિમય અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.