ધોરાજીમાં જાહેર માર્ગો પર રખડતાં-ભટકતા ઢોરની સમસ્યાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધોરાજી શહેરમાં ઠેર ઠેર સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત રખડતા ઢોર રસ્તા વચ્ચે બેસી રહેતા હોવાને કારણે ટ્રાફિકની સમસ્યાઓની સાથે સાથે લોકોને અકસ્માત થવાનું પણ જોખમ રહે છે. રખડતા ઢોર અને જાહેરમાં આખલાઓની લડાઈને કારણે રાહદારીઓ સાથે નાના-મોટા અકસ્માત તેમજ રોડ પર પડેલા વાહનોને પણ નુકસાની થાય છે. સ્કૂલે આવતા જતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ ભય ના ઓથાર હેઠળ નીકળવું પડતું હોય છે. ધોરાજીમાં રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા માટે સરકારે પાંજરા સહિત જરૂરી સાધનો આપ્યા છે પરંતુ ઢોર પકડવાની કામગીરી એકદમ સ્થગિત હોવાને કારણે પ્રજાને મુશ્કેલી પડી રહી છે. આ મામલે ધોરાજીના ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, અગાઉ ઢોર પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, દંડની રકમ નક્કી કરવામાં આવી હતી પરંતુ ઢોર પકડ્‌યા પછી કોઈપણ ગૌશાળા કે સંસ્થા દ્વારા તેમને સાચવવા માટે સહમતી બની ન હોવાથી તે કામગીરીને સ્થગિત કરવામાં આવી હતી. હાલમાં ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર વાડો બનાવવા માટે પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે અને તેના માટે ઓર્ડર પણ આપ્યા છે. શહેરની બહાર ઢોરવાડો બનાવાશે.