ધોરાજી પંથકમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને અષાઢી મેઘ ખાંગા થયા છે. અંદાજે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ધોરાજીમાં બપોર બાદ ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારો અને શેરીઓ જાણે સ્વીમીંગ પુલમાં ફેરવાઈ ગયા હતા. ગતરોજ એક ઈંચ વરસાદ અને આજે બે ઈંચ કુલ મળીને સિઝનનો ૩૩ ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે. સતત વરસતા વરસાદના કારણે ખેતરોમાં ભરાયેલા પાણી સુકાતા નથી અને ખેતરોમાં જવું મુશ્કેલ બન્યુ છે. ત્યારે વાવણી કરેલું બિયારણ હવે બગડી જવાના આરે છે. તેમજ ઉગેલી મોલાત પીળી પડવા લાગી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ઉપરાંત સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે.