ધોરાજીની પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક મહિનાથી વહીવટ બાબતે સદંતર અંધેર ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ સાથે ધોરાજી બાર એસોસિએશન દ્વારા ગોંડલ પોસ્ટ વિભાગના જનરલ મેનેજરને લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એસોસિએશને આ અણઘડ વહીવટ સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. ધોરાજી બાર એસોસિએશનના અગ્રણી એડવોકેટ બાબુલાલ જાગાણીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક પોસ્ટ ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. વકીલો અને કોર્ટ દ્વારા મોકલવામાં આવતી કાયદાકીય નોટિસો તેમજ અન્ય દસ્તાવેજો સમયસર તેમના નિર્ધારિત સ્થળે પહોંચતા નથી. વકીલોની ઓફિસમાંથી અથવા કોર્ટમાંથી જે રજિસ્ટર્ડ એ.ડી. તથા સાદી પોસ્ટથી નોટિસો મોકલવામાં આવે છે, તે સમય મર્યાદાની અંદર પહોંચતી નથી. પક્ષકારોને ૨૦ થી ૨૫ દિવસ પછી પૂછવામાં આવે તો ‘કવર મળ્યું નથી’ તેવા જવાબો મળે છે. આ વિલંબને કારણે કાયદાકીય કાર્યવાહીમાં વિલંબ થાય છે અને કોર્ટની પ્રક્રિયામાં પક્ષકારોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે. બાર એસોસિએશને તાત્કાલિક આ અંગે ઘટતું કરવા લેખિતમાં માંગણી કરી છે. એડવોકેટ બાબુલાલ જાગાણીએ ચેતવણી આપી છે કે, જો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે અમારે આગળ પગલા ભરવાની ફરજ પડશે.







































