ધોરાજી પાલિકાની આગામી સાધારણ સભા સોમવાર, ૨૮ જુલાઈ, ૨૦૨૫ ના રોજ યોજાવાની છે, અને આ જનરલ બોર્ડ ગરમાગરમીભર્યું રહે તેવી સંભાવના છે. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ડી.એલ. ભાષાએ પોલીસ બંદોબસ્ત રાખવા માટે લેખિતમાં અરજી કરી છે. તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત અરજી કરી જણાવ્યું છે કે, સાધારણ સભામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે પત્રકારો તેમજ શહેરના સામાન્ય નાગરિકોને પણ હાજર રાખવામાં આવે.આગામી સાધારણ સભામાં કુલ ૩૨ જેટલા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે પ્રમુખના હુકમોની બહાલી, ચીજવસ્તુઓની ખરીદીઓ, વાહન શાખા અને ઇલેક્ટ્રીક શાખા સહિતના જુદા જુદા વિભાગોમાં કરાયેલ ખર્ચ અને હુકમોને બહાલી આપવા, તેમજ નગરપાલિકા માટે ઇનોવા કાર ભાડે રાખવા જેવા મુદ્દાઓ છે. વિપક્ષના નેતા ડી.એલ. ભાષાએ પ્રાંત અધિકારીને પણ પત્ર લખી જણાવ્યું છે કે, જનરલ બોર્ડમાં થતા ઠરાવો જે તે સમયે મિનિટ બુકમાં લખવાના હોય છે, તેના બદલે પાછળથી મિનિટ બુક લખવામાં આવતા હોવાથી તેમાં ફેરફારો થવાની શક્યતા રહે છે. આથી, પ્રાંત ઓફિસમાંથી કોઈ નોડલ ઓફિસરની નિમણૂક કરી તેમની હાજરીમાં ઠરાવોની મિનિટ બુકમાં નોંધ થાય તેવી માંગ કરી છે. હાલ આગામી સોમવારે બપોરે ચાર કલાકે નગરપાલિકાના ટાઉન હોલમાં યોજાનાર સાધારણ સભાને લઈ અત્યારથી જ શાસક અને વિપક્ષ વચ્ચે ગરમાગરમીનો માહોલ સર્જાઇ રહ્યો છે.