ધોરાજી પંથકમાં લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ ફરી પધરામણી કરતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. વહેલી સવારથી ધોરાજી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. નાની પરબડી, જમનાવડ, વેગડી, તોરણીયા અને ફેરણી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદના આગમનથી ખુશી જોવા મળી હતી. વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભા પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. હાલના વરસાદથી મગફળી, એરંડા, સોયાબીન અને તુવેર સહિતના ચોમાસુ પાકને ફાયદો થવાની આશા છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો પાકને વધુ જીવતદાન મળી શકે છે.








































