ધોરાજી-જૂનાગઢ સ્ટેટ હાઈવે પર ૮ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા રોડના કામમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો પર્દાફાશ થયો છે. રોડ બન્યાના બીજા જ દિવસે ડામરના બદલે માત્ર કાંકરી જ દેખાતા રાહદારીઓ અને આસપાસના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રોડની ગુણવત્તા એટલી હદે ખરાબ છે કે જાણે ડામરનું એક ટીપું પણ ન નાખ્યું હોય. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બરનવાલ અને પટેલનો સંપર્ક કરી તાત્કાલિક સેમ્પલ લેવા અને નબળા કામનું પેમેન્ટ ન કરવા ચીમકી ઉચ્ચારી છે. અધિકારીઓએ અનેક જગ્યાએ કામ ચાલતા હોવાથી દેખરેખ માટે સમય ન મળતો હોવાનું બહાનું કાઢ્યું હતું. ધોરાજી-જૂનાગઢ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો અને લોકો સારી ગુણવત્તાવાળા રોડની માંગ કરી રહ્યા હતા. આવા સમયે આ પ્રકારે અત્યંત નબળી કામગીરી થતા ધોરાજીના નગરજનોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. નબળા કામનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.