ધોરાજીના જૂનાગઢ રોડ પર ચાલી રહેલા રોડના નબળા કામને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ૯ વર્ષની લડત બાદ ૮ કરોડના ખર્ચે મંજૂર થયેલા આ રોડના પ્રથમ તબક્કામાં જ ભ્રષ્ટાચાર અને ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલા એક કિલોમીટરના રોડમાં ડામર ઓછો અને કાંકરીઓ ફેલાયેલી હોવાનો વીડિયો વાયરલ થતાં રાજકીય આગેવાનોમાં ખળભળાટ મચી ગયો હતો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને વર્તમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના નેતાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે ગાંધીનગર સુધી પડઘા પડતા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ૧ કિલોમીટર બનાવેલો રોડ ઉખેડીને ફરીથી નવો રોડ નિયમ પ્રમાણે બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી અલ્પેશ જોગરાણાએ જણાવ્યું કે જૂનાગઢની એજન્સી દ્વારા કરાયેલું કામ નબળું હોવાથી તેને ઉખેડીને નવેસરથી કરવાનો આદેશ અપાયો છે. જોકે, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની અને તેમના લાયસન્સ રદ કરવાની માંગ કરી છે, કારણ કે માત્ર ફરીથી રોડ બનાવવાની સૂચના આપીને દંડાત્મક કાર્યવાહી કેમ નથી કરાઈ તે પ્રશ્ન ઉભો થયો છે. ચર્ચા છે કે આ ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ છે.