ધોરાજીમાં વર્ષ ૨૦૧૭-૧૮માં થયેલા રોડ-રસ્તા અને ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો સંદર્ભે ધોરાજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આ મામલે જવાબદાર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. ધોરાજીના જાગૃત નાગરિક અને એડવોકેટ સી.એસ. પટેલે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, ધોરાજી નગરપાલિકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ કામો હાથ ધરવામાં આવ્યા હતા. જો કે, આ કામોમાં ખૂબ જ નબળી ગુણવત્તા વાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કામ પણ અધૂરું રહી ગયું હતું. આના કારણે શહેરના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કોર્ટે ફરિયાદીની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને નિર્ણય આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, આ મામલે જવાબદાર
તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ જાહેર જનતાની સુખાકારીને ધ્યાનમાં લેવાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખવી છે. આથી, તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૬૬ અને ૧૦૬(એ) હેઠળ ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટના આ નિર્ણયથી ધોરાજીમાં ભારે ચર્ચા જાગી છે.