ધોરાજીમાં શાકમાર્કેટ લાલશાહ બાપુની દરગાહ નજીક રાવલપામાં રહેતા એક યુવાને આશ્ચર્યજનક રીતે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજીમાં રહેતા ભદ્રેશ જયંતીભાઈ નકુમ નામના ૩પ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણસર માતાજીના મંદિરમાં જઈ માતાજીની રજા માંગી મંદિરમાં રહેલી કટાર પોતાના પેટમાં મારી લીધી હતી. તેમના પિતા દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકના પિતા જયંતીભાઈ નકુમે પોલીસને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી તે મરી જવાની વાત કરતો હતો. તેનો કામધંધો બરાબર ચાલતો ન હતો અને બેકાર હતો જેથી કંટાળી જઈ આ પગલું ભરી લીધું હોય તેમ લાગે છે. મૃતકનો મૃતદેહ પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.