કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર બાંધકામ બદલ મામલતદાર દ્વારા કાર્યવાહી, મામલતદાર આર.કે. પંચાલના હસ્તે સીલિંગની કામગીરી કરાઈ
ધોરાજીમાં આવેલી અંજુમને ઈસ્લામ મેમણ મોટી જમાત-સંચાલિત ૭ અનધિકૃત દુકાનોને મામલતદાર દ્વારા સીલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડેપ્યુટી કલેક્ટર, ધોરાજીના આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, કારણ કે આ દુકાનોનું બાંધકામ કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. ધોરાજી મામલતદાર આર.કે. પંચાલ અને મામલતદાર કચેરીના રેવન્યુ વિભાગના સ્ટાફ દ્વારા ઉપલેટા રોડ પર આવેલા કબ્રસ્તાન પાસે આ દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. અગાઉ, જમાતના વહીવટકર્તાને નોટિસ પાઠવીને જણાવવામાં આવ્યું હતું કે, ડેપ્યુટી કલેક્ટરના હુકમ મુજબ આ દુકાનોનો કબજો ૭ દિવસમાં સરકારી પક્ષે સંભાળી લેવાનો રહેશે. નોટિસમાં વધુમાં જણાવાયું હતું કે, દુકાનોમાં રહેલો સામાન ૦૩/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યા સુધીમાં સ્વેચ્છાએ ખાલી કરી દેવો, અન્યથા ૦૪/૦૮/૨૦૨૫ના રોજ સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નોટિસ બાદ, મામલતદાર કચેરીના સ્ટાફે આજે હાજર રહીને દુકાનો સીલ કરી હતી. મામલતદાર પંચાલે મીડિયાને જણાવ્યું કે, આ કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવી છે.









































