ધોરાજી નગરપાલિકાના જમનાવાડ રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા જ લાખોના ખર્ચે નાખવામાં આવેલા નવા પેવર બ્લોકને જેસીબી મશીન વડે ઉખાડી નાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે આ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના નિકાલ માટે રસ્તો બનાવવા તંત્રએ આ પગલું ભરવું પડ્‌યું હતું. જો તંત્રએ ડ્રેનેજ કે પાણીના નિકાલનું પૂર્વ આયોજન કર્યું હોત, તો આજે પ્રજાના ટેક્સના નાણાંનો આ રીતે વેડફાટ ન થયો હોત. વિકાસના નામે થતા આવા બિનઆયોજિત કામો અને અધિકારીઓની અણઆવડત સામે સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ છે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.