ધોરાજીમાં બાદલાશા કોલોની વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આ રહીશોએ મોટી સંખ્યામાં કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવીને જણાવેલ કે, આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રસ્તાની તકલીફ છે, ચોમાસા દરમિયાન કીચડ થવાથી રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ગટરના પાણી રોડ પર વહેતા હોવાથી લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. સાથોસાથ એવી માગણી પણ કરી હતી કે, આ વિસ્તારમાં અનેક જગ્યા પર ભૂગર્ભ ગટર ન હોવાથી પાણીના નિકાલના પ્રશ્નો, સફાઈ તેમજ ડોર ટુ ડોર કચરો નિયમિત લેવામાં આવે અને યોગ્ય સફાઈ કરવામાં આવે. નાગરિકો નગરપાલિકા હદ વિસ્તારના રહેવાસી છે અને ટેક્સ ભરતા હોવા છતાં પ્રાથમિક અને આવશ્યક સેવાઓથી ઘણા વર્ષોથી વંચિત છે. આથી તાત્કાલિક આ વિસ્તારમાં વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માગણી કરી હતી.