ધોરાજીના જમનાવડ રોડ પર અનિયમિત પાણી મળવાને કારણે મહિલાઓએ રોષભેર નગરપાલિકા વિરુદ્ધ નારેબાજી પોકારી હતી અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા માટે પણ ચીમકી ઉચ્ચારી હતી. ધોરાજીના જમનાવડ રોડ પર છેલ્લા કેટલાક સમયથી અનિયમિત પાણી વિતરણ થતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જમનાવડ રોડ પર મારુતિ નગર અને આસપાસની સોસાયટીમાં અનિયમિત પાણી આવતું રહેતું હોવાથી મહિલાઓ ઉગ્ર રોષ સાથે સોસાયટીમાં એકત્રિત થઈ પોતાનો રોષ અને પોતાની વ્યથા મીડિયાકર્મીઓ સામે ઠાલવી હતી. એકત્રિત થયેલ મહિલાઓએ જણાવ્યું હતું કે અમે અનેક વખત ધોરાજી નગરપાલિકામાં રજૂઆત કરી છે અને જે જગ્યા પરથી પાણી સપ્લાય થાય છે ત્યાં પણ અમે રૂબરૂ જઈ પાણી નિયમિત કરવા બાબતે રજૂઆતો કરી ચૂક્યા છીએ પરંતુ અમારી રજૂઆત પર નગરપાલિકા કોઈપણ પ્રકારનું ધ્યાન આપતી નથી આથી હવે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી.