ધોરાજી, તા.૨૨
ધોરાજી શહેરમાં પાણી વિતરણની સમસ્યાથી નગરજનો વર્ષોથી પીડાઈ રહ્યા છે. ધોરાજીમાં ઘણાં વર્ષોથી દર ચાર થી છ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. એક સપ્લાયમાં કોઈ ખામી સર્જાય તો ચારને બદલે આઠથી દસ દિવસે પીવાનું પાણી મળે છે. તદ ઉપરાંત ડહોળા પાણીને કારણે લોકોના આરોગ્ય સામે કાયમી ખતરો બની રહે છે.
હાલ ધોરાજીમાં કોઇ રાજકીય પક્ષોનું શાસન નથી અને સરકારી પ્રતિનિધિત્વ હેઠળ વહીવટદારનું શાસન ચાલી રહ્યુ છે. પાણીના વિતરણ પ્રશ્ને ધોરાજી શહેર ભાજપના હોદ્દેદારો રાજુભાઈ બાલધા, કૌશિકભાઈ વાગડીયા, પીન્ટુભાઈ ત્રિવેદીએ નગરપાલિકા ધોરાજીના ચીફ ઓફિસરને સંબોધી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ધોરાજીમાં છેલ્લાં કેટલાંક મહિનાથી દર સાત દિવસે પાણી વિતરણ થાય છે. સામાન્ય અને ગરીબ માણસો પાસે પાણી સ્ટોરેજની ક્ષમતા ઓછી હોય છે તેથી તેઓને પાણીની સમસ્યા વધારે રહે છે.
ભયંકર ઉનાળામાં લોકો પાણી માટે ભારે યાતના ભોગવી રહ્યા છે. ધોરાજી પાસે ફોફળ અને ભાદર ડેમમાં પાણીનો પર્યાપ્ત માત્રામાં જથ્થો હોવા છતાં લોકોને આઠ દિવસે પાણી મળે છે. ધોરાજીની જનતાની સહનશક્તિ સારી છે પરંતુ જ્યારે જનતાનો સંયમ તૂટશે ત્યારે આંદોલન શરૂ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે.