ધોરાજી શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેના કારણે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એક મહિનાના ગાળામાં અંદાજે ૨,૦૦૦થી વધુ દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી છે. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીયનના જણાવ્યા અનુસાર, હાલમાં શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીને કારણે તેમજ પાણીજન્ય રોગ અને મચ્છરના ઉપદ્રવને લીધે રોગચાળો વધી રહ્યો છે. દરરોજ ૫૦૦થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવી રહ્યા છે. આ બાબતે તાત્કાલિક સરકારી તંત્ર અને નગરપાલિકાએ કાર્યવાહી કરવી જોઈએ તેવી ધોરાજીના નગરજનોની પ્રબળ માંગણી છે.









































