ધોરાજીમાં કોર્ટે દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલ સજા ફટકારી હતી. ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે બુધવારે અભય ઉર્ફે સની ધીરુભાઈ ચૌહાણને સગીરા સાથે શરીર સંબંધ બાંધવા બદલ ગુનેગાર ઠરાવીને ૨૦ વર્ષની સજા ફટકારી હતી. જોકે, ચાર્જશીટ મુજબ મદદગારી કરનાર તહોમતદાર સાગર ઉર્ફે લાલો કમલેશભાઈ ગોહિલને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો. બનાવની વિગત મુજબ જામકંડોરણાના પીએસઆઇ
વી. એમ. ડોડીયા સમક્ષ સગીરાના પિતાએ ફરિયાદ લખાવેલી હતી કે, સપ્ટેમ્બર ૨૦૨૩ના અરસામાં તેમની દીકરી જામકંડોરણાની છાત્રાલયમાંથી વંડી ટપીને ભાગી ગઇ હતી. જેના આધારે ગુનો નોંધી તપાસ કરતા સગીરા તથા આરોપી અભય ઉર્ફે સન્ની દિલ્હીથી મળી આવેલા હતા. ત્યારબાદ આગળની તપાસ ધોરાજીના તત્કાલીન સીપીઆઈ એલ આર ગોહિલે કરી હતી અને અંતે તેમણે આરોપી અભય ઉર્ફે સની વિરુદ્ધ ચાર્જશીટ કરેલું હતું. સરકારી વકીલ કાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે, સગીરાએ જુબાનીમાં જણાવેલ કે, હું અને સની પતિ પત્ની જેમ રહેતા અને ચારથી પાંચ વખત મારી સાથે શનિએ શરીર સંબંધ બાંધ્યો હતો. હું તેને આ વખતે ના પાડતી પણ તે બળજબરી શરીર સંબંધ બાંધતો હતો. અંતે કોર્ટે બંને પક્ષોની દલીલોને સાંભળીને આરોપી અભયને જેલ સજા તથા રૂપિયા ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો.









































