ધોરાજીમાં દાતાઓના દાનથી સરકારી હોસ્પિટલ અદ્યતન બની છે પરંતુ નિષ્ણાંત તબીબોના અભાવે સરકારી હોસ્પિટલ સારવાર માટે નિરર્થક બની રહી છે. ધોરાજીના વતની અને વર્ષોથી બહાર રહેતા ઉદ્યોગપતિઓ દ્વારા વતનનું ઋણ ચૂકવવા સરકારી હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. ધોરાજીના આઈ.પી. ગાંધીએ ચાર માળનું ભવ્ય બિલ્ડિંગ બંધાવી આપ્યું એ બાદ અવારનવાર દાતાઓ દ્વારા જરૂરી હોય તેવી મોંઘીદાટ મશીનરીઓ દાન સ્વરૂપે અપાય છે. પરંતુ દાતાઓ દ્વારા અપાયેલું દાન જાણે પાણીમાં જતું રહ્યું હોય તેવો તાલ સર્જાયો છે. આ સરકારી હોસ્પિટલમાં વર્ષોથી નિષ્ણાંત તબીબોની ઘટ કાયમી રહી છે. ઈમરજન્સીમાં બહાર જતાં દર્દીઓ સમયના અભાવે જાન ગુમાવી ચૂક્યા હોવાના પણ દાખલા બન્યા છે. આ અંગે હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયનએ જણાવ્યું હતું કે હાલ ચાર મેડિકલ ઓફિસરની જગ્યાએ માત્ર એક ડોક્ટર સેવા આપી રહ્યા છે. જ્યારે નિષ્ણાંત તબીબોની જગ્યા ઘણા સમયથી ખાલી છે. ક્યારેક કોઈ ગંભીર અકસ્માત કે ઇમરજન્સી સમયે નાછૂટકે અન્ય હોસ્પિટલમાં રીફર કરવા પડે છે. આ ૯૦ બેડની હોસ્પિટલમાં કુલ મહેકમ ૬૬ છે જ્યારે તેમાંથી ૩૮ જેટલી જગ્યાઓ હાલ ખાલી પડેલી છે.