ધોરાજી સિટી પોલીસ મથકે રાજકોટ જિલ્લા પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં ધોરાજી નગરપાલિકાના પૂર્વ નગરપતિ ડી.એલ. ભાષાએ પોતાની રજૂઆતમાં જણાવેલ કે ધોરાજીના અમુક વિસ્તારોમાં વિદેશી દારૂ છૂટથી મળે છે. જેના પર અંકુશ લાવવા બૂટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શહેરનાં ત્રણ દરવાજા વિસ્તાર પાસે ટ્રાફિક સમસ્યા ઉકેલવા કહ્યું હતું. ધોરાજી ભાજપના અગ્રણીઓ વિનેશભાઈ માંથુકિયા અને કિશોરભાઈ રાઠોડે શહેરની બંધ પડેલ પોલીસ ચોકી શરૂ કરવા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા તેમજ મુસ્લિમ અગ્રણી કાસમભાઈ ખુરેશીએ રમજાન માસ દરમિયાન રાત્રીના સમયે મુસ્લિમ વિસ્તારોમાં રાત્રે ખાણી-પીણીની બજારો મોડે સુધી ચાલુ રાખવા રજૂઆત કરી હતી. ધોરાજી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા દુરસ્ત કરવા સૂચના આપી હતી તેમજ ધોરાજીમાં આવશ્યક પોલીસ મહેકમ હોવા ઉપરાંત નવા અધિકારી ઉત્સાહપૂર્વક અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેતા હોવાનું જણાવ્યું હતું. પોલીસ લોક દરબારમાં ધોરાજી શહેરનાં રાજકીય, સામાજિક અગ્રણીઓ, વેપારીઓ અને હિન્દુ-મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યાં હતાં.