ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બે માં ગોંડલ નગરપાલિકાની સરકારી ગાડીમાં બેસીને ભાજપના હોદ્દેદારો પ્રચાર માટે ખેસ નાખીને આવતા સ્થાનિક મતદારોએ હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર બે ના રહીશોએ આ અંગે પૂછતા ભાજપના એક આગેવાને જણાવ્યું હતું કે જાઓ તમે ચૂંટણી પંચમાં અમારી ફરિયાદ નોંધાવો. રહીશોએ જણાવેલ કે સત્તાના મદમાં ચૂર થયેલા ભાજપના આગેવાનો સરકારી વાહનનો ઉપયોગ કરી પ્રચાર માટે નીકળ્યા હતા. તેનો સમગ્ર વીડિયો રેકોર્ડિંગ કરી વાઈરલ કર્યો હતો. સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણી જીતવા હવાતીયા મારે છે અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. સરકારી અમલદારો અને પોલીસ વિભાગ પણ જાણે સત્તાની સામે એક ત્રાજવે બેસી ગયા હોય તેવો તાલ સર્જાઈ જઈ રહ્યો છે. આ મામલે અમે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરી છે. જો તેઓ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટમાં જઇશું. આ મામલે ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી.