ધોરાજીના લોકો છેલ્લા ઘણા સમયથી પાણી અને ગટર સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શહેરના ઘણા વિસ્તારોમાં ડહોળા પાણીનું વિતરણ થઈ રહ્યું છે અને ભૂગર્ભ ગટરની ગંદકી રસ્તાઓ પર વહેતી થઈ ગઈ છે. આ સમસ્યાના કારણે લોકોમાં ગંભીર રોગચાળાનો ભય ફેલાયો છે. તાજેતરમાં, ધોરાજીના ઉપલેટા રોડ પર આવેલી મદીના નગર સોસાયટીમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તાઓ પર વહેતા દેખાયા હતા. આ ગંદા પાણી સોસાયટીમાં ભરાઈ ગયા હતા, જેના કારણે દુર્ગંધ અને જંતુઓનો ઉપદ્રવ વધી ગયો હતો. આ સ્થિતિને કારણે લોકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઈફોઈડ જેવા રોગોનો ભય ફેલાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં પણ, ધોરાજી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી યોગ્ય રીતે શુદ્ધ કર્યા વિના ડહોળા સ્વરૂપમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. લોકોને ગંદા અને દુર્ગંધ મારતા પાણી પીવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.આ સમસ્યાઓના ઉકેલ માટે, ઉપલેટા રોડના મુસ્લિમ અગ્રણી અલ્તાફભાઈએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે ઝડપથી પાણી અને ગટર સમસ્યાનો ઉકેલ લાવવાની અને લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ કરી છે.