ધોરાજીમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસતા વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ધોરાજી શહેરના જૂનાગઢ રોડ પાસે સાઇડિંગ પ્લોટ વિસ્તારમાં મારડિયાના ડેલામાં એક ગરીબ અને નિરાધાર પરિવારના ઘરની દીવાલ ભારે વરસાદને કારણે પડી ગઇ હતી. મારડિયાના ડેલામાં રહેતા સાજનભાઈ મલેક અને તેમના પત્ની અમીનાબેન બંને વૃદ્ધ હોવાથી રાત્રિ દરમિયાન ભારે વરસાદને કારણે તેમના ઘરની દીવાલ ધડાકાભેર પડી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ વૃદ્ધ દંપતીને સલામત ઘરની બહાર કાઢ્યા હતા અને વૃદ્ધ દંપતીનો આબાદ બચાવ થયો હતો. હાલ આ વૃદ્ધ દંપતી નિઃસહાય અને નિરાધાર પ્રકારનું જીવન વ્યતિત કરી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા તેમને સહાય મળે તેવી આસપાસના લોકોએ માગણી કરી છે.