ધોરાજી શહેરમાં પંચનાથ મહાદેવ મંદિર નજીકથી પસાર થતી શફુરા નદીમાં પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. સતત વરસાદ વચ્ચે નદીમાં પાણીની આવક વધી હોવા છતાં પાણીની ઉપર સફેદ બરફ જેવી જાડી ફીણની ચાદર છવાઈ જતાં સ્થાનિકોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. છેલ્લા બે દિવસથી ધોરાજી પંથકમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે, જેના કારણે નદી-નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. પરંતુ કુદરતી પાણીની સાથે નદીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ભળ્યું હોવાની આશંકા વચ્ચે શફુરા નદીનું રૂપ બદલાઈ ગયું છે. નદીના અનેક વિસ્તારોમાં સફેદ ફીણના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. હવાના કારણે ફીણ દૂર સુધી ફેલાતાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોનું માનવું છે કે, આ સ્થિતિ કુદરતી નહીં પરંતુ ઔદ્યોગિક પ્રદૂષણનું પરિણામ હોઈ શકે છે. આ મુદ્દે ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, ‘કેમિકલ માફિયાઓએ શફુરા નદીને પણ પોતાની ઝેરી પ્રવૃત્તિઓનું નિશાન બનાવી છે. વરસાદની આડમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી નદીઓમાં છોડવાની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ છે.’






































