ધોરાજીના હૃદય સમાન સોની બજાર ખાતે આવેલા પ્રસિદ્ધ જૈન દેરાસર પાસેના મુખ્ય માર્ગો પર છેલ્લા પાંચ વર્ષથી ભૂગર્ભ ગટર છલકાઈ રહી છે, જેના દુર્ગંધ મારતા પાણીથી સ્થાનિક વેપારીઓ અને રાહદારી લોકો ભારે પરેશાન છે. ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ, જૈન દેરાસર અને અન્ય સંસ્થાઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. આ દયનીય પરિસ્થિતિ જોઈને, આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા અને રામજી મંદિરના પૂજારી દિલીપભાઈ અગ્રાવત (બલાભાઈ)એ જાતે ભૂગર્ભ ગટરની કુંડી ખોલીને પોતાના હાથ વડે સાફ કરી હતી. તેમણે જૈન દેરાસરમાંથી પાણીનો પાઇપ લાવીને સમગ્ર ગંદકીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ, નગરપાલિકામાં પાંચ વર્ષથી અનેક ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. આ પ્રકારે જાહેરમાં ભૂગર્ભ ગટરના પાણીથી રોગચાળો વધતો હોવા છતાં નગરપાલિકાની આંખ ઊઘડતી નથી. ધોરાજીના નગરજનો રાજકોટ જિલ્લા કલેક્ટરને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી રહ્યા છે.








































