ધોરાજી શહેરમાં રસ્તામાં ખાડા પૂરવા મામલે ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ અને સામાજિક આગેવાનો દ્વારા શહેરમાં રસ્તાના ખાડા પુરવાની કામગીરી સામે વેધક સવાલો ઉઠાવતા ૧૦૦થી વધારે પોસ્ટરો શહેરના જુદા જુદા વિસ્તારોમાં, જુદી જુદી સોસાયટીઓ અને રસ્તા પર લગાવવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ખાડા પુરવા માટે તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા રૂ. ૮ લાખના ખર્ચે મોરમ પાથરવામાં આવી હોવાની માહિતી વિવિધ માધ્યમો દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેની સામે ધોરાજી શહેરના કોંગ્રેસ અને સામાજિક આગેવાનોએ ખાડા પુરવાની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. શહેરમાં અલગ અલગ વોર્ડમાં શેરી, રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર ૧૦૦ જેટલા બેનરો આગેવાનોના ફોટોગ્રાફ સાથે લગાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે મોરમ પાથરવાની અદ્રશ્ય કામગીરી આઠ લાખના ખર્ચે મોરમ પાથરવામાં આવી હોય તો કોના ઘર પાસે ખાડા પુરાયા ? ઉપરાંત રોડના ખાડા પૂરાયા કે કોન્ટ્રાક્ટરના પેટના ખાડા પૂરવામાં આવ્યા? આ પ્રકારના સવાલો ઉઠાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા.