ધોરાજીનાં જમનાવડ રોડ રેલવે ફાટક, જુનો ઉપલેટા રોડ, જૂનાગઢ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય અને ખાડારાજ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવા રસ્તાના કારણે પ્રસૂતા મહિલાને ડિલિવરી માટે ધોરાજીથી બહારગામ હોસ્પિટલે વાહન કે એમ્બ્યુલન્સમાં લઇ જવામાં આવે તો અધવચ્ચે જ ડિલિવરી થઈ જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે તેમ છે. વાહનમાં બેઠેલાઓનાં હાડકાં પણ ખખડીને દુઃખાવો થઈ જાય છે. નાનાં મોટાં અકસ્માતનાં બનાવો બન્યા કરે છે તેવી વ્યથા લોકોએ મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. આ બિસ્માર રસ્તા અને ખાડાનું સામ્રાજ્ય અને કાદવ કીચડથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ધોરાજીની જનતા છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા અને પાણીના પ્રશ્ને લડત આપી રહી છે.









































