ધોરાજી શહેરના ચાર સ્ટેટ હાઇવેનાં રસ્તા છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે ત્યારે તંત્રની સામે ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનનાં સભ્યો દ્વારા શહેરનાં સર ભગવતસિંહજી બાપુનાં સાનિધ્યમાં સ્ટેશન રોડ ખાતેથી મોટરસાયકલ રેલી યોજી ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યુ હતું. આ સમયે એસોસિએશનનાં પ્રમુખ દલસુખભાઈ વાગડિયા, ગૌતમભાઈ વઘાસિયાએ આક્રોશ સાથે જણાવેલ કે ધોરાજી શહેરને જોડતા રોડ રસ્તાઓ જૂનાગઢ રોડ, ઉપલેટા રોડ, જામકંડોરણા રોડ વગેરે હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે. ઘણા વર્ષોથી રસ્તા રિપેર થયા નથી જેના કારણે રોડ ઉપરથી પસાર થતા લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વહેલામાં વહેલી તકે ધોરાજી શહેરને જોડતા તમામ રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. જો ૧૫ થી ૨૦ દિવસની અંદર કામ શરૂ કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમો કરીશું અને ધોરાજી બંધનું એલાન પણ આપીશું. છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારની હાલત ખરાબ છે. ઈમરજન્સીમાં ૧૦૮ પણ આ રસ્તા ઉપર ચાલી શકે તેવી સ્થિતિ નથી છતાં પણ તંત્રને ખબર ન હોય એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્રમાંથી તોરણીયા નકલંક ધામ વિસ્તારમાંથી આવેલા ખેડૂતોએ જણાવેલ કે ધોરાજી તોરણીયા જવા માટે એક પણ રસ્તો સારો નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમો યાતના ભોગવી રહ્યા છીએ. યાત્રાધામ હોવા છતાં પણ આ રસ્તો અત્યંત ખરાબ છે જેથી તાત્કાલિક પેવર રોડનું કામ કરવા માગણી કરી હતી.