ધોરાજીના ભૂખી ગામે યુવક ઉપર હુમલો થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ધોરાજીના ભૂખી ગામે રહેતાં ફરિયાદી હરેશભાઈ ઉર્ફે મયુરભાઈ લાધાભાઈ (ઉ.૨૭) એ પોલીસ મથક ખાતે આરોપી બાબુભાઈ ચનાભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે ત્રણ વર્ષ પહેલાં લવમેરેજ કરેલ હતાં. એકાદ વર્ષ પહેલાં તે બરડીયા રહેવા ગયો હતો. તેઓની વેગડી રોડ ઉપર ખેતીની જમીન આવેલ છે. પતિ પત્ની સાથે બાઈકમાં વેગડી રોડ ઉપર આવેલ આ વાડીએ જવા નીકળ્યા હતાં ત્યારે ભૂખી ગામની સીમમાં શીતળા માતાજીના મંદિર પાસે આંબલી વાળી વાડી પાસે પહોંચતા આરોપી બાબુભાઈએ બોલેરો ગાડી બાઈક સાથે અથડાવતાં દંપતી નીચે પટકાયું હતું. આરોપી હાથમાં લોખંડનો પાઇપ લઈને બોલેરોમાંથી ઉતરી કહેવા લાગેલ કે, તું કેમ આજે ગામમાં આવ્યો તેમ કહી ગાળો આપી અને ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપથી હુમલો કરી ઈજા કરી હતી. દરમિયાન તેની પત્નીએ તેમના ભાઈને ફોન કરતાં આરોપી બોલેરો લઈ નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.