ધોરાજીમાં પીવાના પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવી શક્યતા છે. વર્ષોથી ધોરાજીમાં ચારથી પાંચ દિવસે પાણી મળતાં હાલાકી ભોગવી રહેલા લોકોને રાહત મળે તેમ છે. પાણીની સમસ્યા મુદ્દે અખબારમાં અહેવાલો પ્રસિધ્ધ થતાં સરકાર એક્શન મોડમાં આવી છે અને ધોરાજીની પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ કરવા પ્રાદેશિક કમિશનર કચેરીમાંથી અધિક કલેક્ટર ઇલાબેન ચોહાણ ધોરાજી દોડી આવ્યા હતા. આ ઉપરાંત પાલિકા ખાતે ચીફ આૅફિસર જયમલ મોઢવાડીયા, વોટર વર્ક્સના યાસીનભાઈ કાંગડા સાથે મિટિંગ યોજી હતી. પાણી વિતરણ વ્યવસ્થા નવેસરથી દુરસ્ત કરવા ટેકસ વિભાગમાંથી અધિકારી ભાવેશ ભટ્ટને વિશેષ ચાર્જ આપ્યો હતો. ચીફ આૅફિસર જયમલ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ધોરાજીમાં પાણી વિતરણ વ્યવસ્થા હેઠળ અમૃત યોજના અન્વયે ધોરાજી શહેરને ફોફળ ડેમથી પાણીનો પૂરતો જથ્થો પુરા ફોર્સથી મળે તે માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગાંધીનગર દ્વારા ગત જાન્યુઆરીમાં ૪૨.૬૭ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવેલી હતી. જેમાં ફાફળ ડેમથી ધોરાજી હેડ વર્ક્સ સુધી પાણીની નવી લાઇન નાખવામાં આવશે. બીજી તરફ નલ સે જલ પ્રોજેક્ટ અંતર્ગત ૩.૯ કરોડના કામો હાલ ચાલી રહ્યા છે જેમાં ભૂખી હેડ વર્ક્સમાં ૨૦ લાખ લીટરની નવી ઈએસ આર, નવું પંપીંગ સ્ટેશન, બગીચા હેડ વર્ક્સમાં દસ લાખ લીટરની નવી જીએસઆર, જમનાવલ રોડ વિસ્તાર માટે પાણી વિતરણ માટેની નવી લાઈનોના કામ ચાલી રહ્યાં છે. આમ હાલ ધોરાજીમાં પાણી વિતરણના ધાંધિયાને લીધે પ્રજાને જે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેને ધ્યાનમાં રાખતા સરકાર એક્શન મોડમાં આવી છે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ તેમજ ધોરાજી નગરપાલિકા બંનેના પ્રયાસો હેઠળ ધોરાજી શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં અને વહેલાસર પુરા ફોર્સથી મળી રહે તે માટે વ્યવસ્થાઓ થઈ રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આડત્રીસ લાખનાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટનું રિનોવેશન થશેધોરાજી નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાપંચ યોજના હેઠળ પાણીની વ્યવસ્થા માટે જે કામો હાથમાં લેવાયા છે તેમાં હિરપરા વાડી અને નવા ડેવલપ થતા એરિયામાં વિતરણ વ્યવસ્થા માટે ૧.૮૭ કરોડમાં નવી રૂ.૮,૦૦,૦૦૦ લિટરની ીજિ અને વાલ્વની ચેમ્બરોની કામગીરી હાથ ધરાઈ છે. પંપીંગ અને જોડાણ કામગીરી માટે ૩૪ લાખના ખર્ચે ભૂખીથી નવા પંપીંગ સ્ટેશન સુધી તેમજ માથુકિયા વાડી હેન્ડ વર્ક માટે ૩૦ લાખનાં ખર્ચે કનેક્શન અને મશીનરીઓ માટે ઓનલાઈન ટેન્ડરો થઈ ચૂક્યા છે. ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આડત્રીસ લાખના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટનાં રિનોવેશનનું આયોજન હાથ ધરાયું છે જેની વહીવટી મંજૂરી માટે પ્રાદેશિક કચેરી ખાતે વહીવટી પ્રક્રિયાઓ મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે.